સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સંભાળી લીધા બાદ રાજનાથસિંહ સોમવારના દિવસે પ્રથમ સત્તાવાર પ્રવાસ કરનાર છે. જેના ભાગરુપે રાજનાથસિંહ સિયાચીન જશે. સંરક્ષણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ તેઓ ભૂમિ સેનાના પ્રમુખ બિપીન રાવતની સાથે સિયાચીન પહોંચશે. મોદી સરકારની બીજી અવધિમાં રાજનાથસિંહને સંરક્ષણ મંત્રી તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. અગાઉની સરકારમાં રાજનાથસિંહ મોટી જવાબદારી સંભાળી રહ્યા હતા. આવતીકાલે સોમવારના દિવસે રાજનાથસિંહ સિયાચીન ગ્લેસિયર જશે. રાષ્ટ્રીય પાટનગરથી બહાર સંરક્ષણ બેઝ ઉપર આ તેમની પ્રથમ યાત્રા રહેશે. સંરક્ષણમંત્રી અહીંના વોર મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જવાનો સાથે વાતચીત કરશે. સાથે સાથે વરિષ્ટ અધિકારીઓ સાથે સિયાચીનની પરિસ્થિતિ અને સંરક્ષણ પડકારોના સંદર્ભમાં તમામ માહિતી એકત્રિત કરશે.
સિયાચીનનો પ્રવાસ પૂર્વ સંરક્ષણમંત્રી મનોહર પારીકર અને નિર્મલા સીતારામને પણ કર્યો હતો. યુદ્ધ પરિસ્થિતિની દ્રષ્ટિએ સિયાચીન વ્યૂહાત્મકરીતે સૌથી ઉપયોગી છે. હિમાલિયન રેંજમાં સ્થિત સિયાચીન ગ્લેસિયરની ગણતરી દુનિયાના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે કરવામાં આવે છે. ૧૯૮૪થી લઇને હજુ સુધી અહીં આશરે ૯૦૦ જવાન શહીદ થઇ ચુક્યા છે. ખરાબ હવામાન અને ભેખડો ધસી પડવાના કારણે સૌથી વધારે મોત થયા છે. ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળી લીધા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે, તેઓ કાશ્મીર સહિતના મુદ્દા ઉપર સર્વોચ્ચ પ્રાથમિકતા સાથે આગળ વધવા ઇચ્છુક છે. અમિત શાહે જવાબદારી સંભાળી લીધા બાદ આજે રાષ્ટ્રીય પોલીસ સ્મારક સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.