સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. જેના કારણે હાહાકાર મચી ગયો છે. ાજે પણ દેશના અનેક ભાગોમાં પારો ૫૦ની આસપાસ રહ્યો હતો. બીજી બાજુ એવી ચેતવણી પણ જારી કરવામાં આવી છે કે, ઉત્તર પશ્ચિમ ભારત એટલે કે રાજસ્થાનમાં આગામી બે દિવસમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, રાજસ્થાનમાં તાપમાન ૫૨-૫૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ સહિતના પૂર્વોત્તર ભારતમાં વરસાદ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ભીષણ ગરમી અને લૂના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. ગઇકાલે શનિવારની જેમ જ આજે રવિવારના દિવસે પણ મહત્તમ તાપમાનમાં કોઇ મોટા ફેરફાર જોવા મળ્યા ન હતા. ગઇકાલ જે રીતે ઉત્તર અને પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમી રહી હતી તેવી જ રીતે આજે પણ પારો આસમાને રહ્યો હતો.
પશ્ચિમી રાજસ્થાનમાં પારો ૫૧ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. ઉત્તરપ્રદેશના બાંદામાં પારો ૪૮થી ઉપર પહોંચ્યો છે જે સામાન્ય કરતા ત્રણથી પાંચ ડિગ્રી વધારે છે. અપેક્ષા કરતા વધારે ઠંડા ગણાતા જમ્મુમાં પારો ૪૪ સુધી પહોંચી ગયો છે.
ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભીષણ ગરમીના પરિણામ સ્વરુપે લોકોની હાલત કફોડી બનેલી છે. દેશમાં ગરમીના કારણે મોતનો આંકડો ૩૭થી પણ ઉપર પહોંચી ચુક્યો છે. આજે રાજસ્થાનના સિકર અને બાંસવાડામાં હિટવેવના કારણે બે લોકોના મોત થયા હતા. રાજસ્થાનના ચુરુમાં પારો ૫૦થી ઉપર રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી સપ્તાહમાં પણ દિલ્હી અને આસપાસના રાજ્યોમાં સ્થિતિમાં કોઇ સુધાર નહીં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બેના મોત સાથે મોતનો આંકડો વધીને ૩૭ ઉપર પહોંચી ગયો છે. હિટવેવના પરિણામ સ્વરુપે આ વર્ષે તેલંગાણામાં સૌથી વધુ મોત થયા છે. છેલ્લા ૨૪ દિવસના ગાળામાં જ તેલંગાણામાં ગરમી અને લૂના લીધે ૧૮ લોકોના મોત થઇ ચુક્યા છે. આવી જ રીતે આંધ્રપ્રદેશમાં આ સિઝનમાં ત્રણ લોકોના મોત લૂ લાગવાના કારણે થઇ ચુક્યા છે. ૨૩૩થી વધુ લોકો બિમાર હાલમાં હોવાનું જાણવા મળ્યું છે. બંને રાજ્યોમાં ૨૦૧૫માંભીષણ લૂના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. એકલા આંધ્રપ્રદેશમાં લૂ લાગવાથી ૧૩૬૯ લોકોના મોત થયા હતા જ્યારે તેલંગાણામાં ૨૦૧૫માં ૫૪૧ લોકોના મોત થયા હતા. ગયા વર્ષે પણ ૨૭ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ હાલત કફોડી બનેલી છે. અહીં ગરમીના કારણે હજુ સુધી આઠ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૪૫૬ લોકો બિમાર થયા છે. નાગપુર ક્ષેત્રમાં સૌથી વધુ લોકોને અસર થઇ છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આવી જ હાલત બનેલી છે. રાજસ્થાનમાં હિટવેવના લીધે બે લોકોના મોત થયા છે અને પારો ૫૦થી ઉપર પહોંચ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ પારો આગામી બે ત્રણ દિવસમાં ૫૩ સુધી પહોંચી શકે છે.