મહિલાને મારનારની વિરુદ્ધ ભાજપે શો-કોઝ નોટિસ ફટકારી

551

શહેરના નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગઇકાલે મહિલાને માર માર્યાનો વીડિયો વારયલ થતાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના આ ધારાસભ્ય પ્રત્યે ઉગ્ર આક્રોશ અને ફિટકારની લાગણી વરસી રહી છે ત્યારે ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આવી લુખ્ખાગીરી કરતા ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઠપકો આપીને માફી માગવાનું કહેતા ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ પ્રમુખની આ પ્રકારની નીતિ સામે નારાજગી પ્રવર્તી રહી છે. ભાજપે થાવાણીને મહિલાની માફી માંગવાનું કહીને સમગ્ર મામલે ઠંડુ પાણી રેડી દીધુ હતુ. જો કે, ગુજરાત સહિત દેશભરમાં વિવાદ વકરતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે થાવાણીને નોટિસ ફટકારી હતી અને આ સમગ્ર મામલે ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતોે. આવા જાહેરમાં લુખ્ખાગીરી કરતાં અને એક મહિલાને જાહેરમાં પેટમાં લાતો અને માથા પર પોતાના જૂતા લગાવી તેને હડધૂત અને અપમાનજનક વર્તન કર્યા છતાં ભાજપે સમગ્ર મામલામાં આવા સમગ્ર સમાજમાં અને રાજયના પ્રજાજનો તરફથી ફિટકાર વરસી રહી છે તેવા ધારાસભ્ય વિરૂધ્ધ આકરા પગલાં કે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.  જનઆક્રોશની લાગણી તો એવી હતી.   કે, ભાજપ આવા નરાધમ ધારાસભ્યનું તાત્કાલિક રાજીનામું લઇને એક સબક સમાન દાખલો બેસાડે પરંતુ આ બધી વાતો પર બહુ સિફતતાપૂર્વક પડદો પાડી દેવાયો. દરમ્યાન ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્‌યાએ એક વીડિયો દ્વારા જણાવ્યું હતું કે, આ ઘટના શરમજનક છે અને ભાજપ તેને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ વીડિયો જોતા જ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તાકીદે ફોન કરીને ખુલાસો માગ્યો હતો અને ઠપકો આપીને માફી માગવા પણ કહ્યું હતું. ગાંધીના ગુજરાત આ પ્રકારની હિંસા ક્યારેય ન થવી જોઈએ અને લોકપ્રતિનિધિ તરીકે પ્રજા સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. આ પ્રકારના દૂર્વ્યવહાર ચલાવી ન લેવાય અને પક્ષે તેની ગંભીર નોંધ લીધી છે. જો કે, ભાજપના રાજમાં મહિલાઓના આ પ્રકારે જાહેરમાં આટલી હીન કક્ષાના અત્યાચારને લઇ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ધારાસભ્ય બલરામ થાવાણી સામે કડક પગલાં ભરવાની માગણી કરી હતી અને ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી કે,  જો થાવાણી સામે પગલાં ભરવામાં નહીં આવે તો મહિલાઓ રણચંડી બનશે. બીજીબાજુ, મહિલાએ આજે ભાજપ અને રાજકીય દબાણ હેઠળ સમાધાન કરી લીધુ હોવાની ચર્ચાએ બહુ જોર પકડયુ હતું. દરમ્યાન વિવાદ બહુ વકરતાં આખરે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ થાવાણીને શિસ્તભંગના પગલાં અંગે નોટિસ ફટકારી હતી અને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો છે.

Previous articleરાજ્યના શનિમંદિરોમાં શનિ જયંતિની ઉજવણી
Next articleમહિલાને બહેન બનાવી મિઠાઈ ખવડાવી : બંને પક્ષનું સમાધાન