ગાંધીનગર શહેરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ૧૪૦૦ કરોડ ઉપરાંતની રકમ શહેરને સ્માર્ટ બનાવવામાં ખર્ચાશે. હાલ તો વિવિધ નાના મોટા પ્રોજેકટ હાથ ધરાઈ રહયા છે ત્યારે આજે મળેલી આઠમી બોર્ડ બેઠકમાં અન્ય કામોને પણ મંજુરી આપવામાં આવી હતી. જેમાં શહેરના ઘ-૪ અને ગ-૪ ખાતે ૬૯.૭૫ કરોડના ખર્ચે અંડરપાસ બનાવવાના ટેન્ડરને મંજુરી આપવામાં આવી હતી. તેની સાથે સે-૧, ૪, ૮, ૧૯ અને રર ના બગીચાઓનું નવીનીકરણ કરવા માટે ૧૦.૭૨ કરોડનું ટેન્ડર મંજુર કરાયું હતું. સ્માર્ટ સીટી કંપનીને સુધારેલા સ્ટાફનું માળખું પણ આ બેઠકમાં મંજુર કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટી પ્રોજેકટમાં ગાંધીનગર શહેરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે શહેરમાં સ્માર્ટ સીટીને લગતાં વિવિધ કામો હાથ ધરાઈ ચુકયા છે. કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ૧૪૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ શહેરને સ્માર્ટ બનાવવા માટે વાપરવામાં આવનાર છે. ત્યારે આ સ્માર્ટ સીટીમાં શહેરમાં ર૪ કલાક પાણીની સાથે સ્માર્ટ બસ સ્ટેન્ડ અને શહેરી ટ્રાન્સપોર્ટ પણ મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
તબક્કાવાર સ્માર્ટ સીટી સંદર્ભે બોર્ડ બેઠક મળતી રહી છે ત્યારે ગાંધીનગર મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં આઠમી બોર્ડ બેઠક કોર્પોરેશન ખાતે મળી હતી. જેમાં આ કંપનીના ડાયરેકટર તરીકે સ્થાયી સમિતિના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાની નિમણૂંક કરવામાં આવી હતી.
ત્યારબાદ શહેરના ઘ-૪ તેમજ ગ-૪ જંકશન ઉપર અંડરપાસ બાંધકામ કરવા માટે ૮૩.૨૩ કરોડના અંદાજ સામે ૬૯.૭૫ કરોડનું એલ-૧ કલાથીયા એન્જીનીયરીંગ એન્ડ કન્સ્ટ્રકશન કંપનીનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. નોંધવું રહેશે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંતર્ગત આ અંડરપાસની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેથી હવે અંડરપાસનું કામ પૂર્ણ થવાથી ચ-૪થી સીધા જ મહાત્મા મંદિર સુધી બગીચા મારફતે જઈ શકાશે.
તો શહેરમાં કોર્પોરેશનને સોંપાયેલા સે-૧, ૪, ૮, ૧૯ અને રર ના બગીચાના નવીનીકરણ માટે ૧૧.૧૪ કરોડનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે ૧૦.૭ર કરોડનું દેવર્ષ કન્સ્ટ્રકશનનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શહેરના તમામ રસ્તાઓ હવે સિકસલેન થઈ ચુકયા છે ત્યારે બાકી રહી ગયેલા રોડ નં.૬, ૭ અને ગ-માર્ગને સિક્સલેન કરવા માટે તેમજ ફુટપાથ બનાવવા માટે ૭૩.૩૧ કરોડનો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે ૬૦.૧૨ કરોડનું ટેન્ડર આ બેઠકમાં મંજુર કરવામાં આવ્યું હતું.
સ્માર્ટ સીટી કંપનીના સુધારેલા સ્ટાફનું માળખું પણ બેઠકમાં મંજુર કરાયું હતું અને ગુડા, ઔડા, એએમસી અને જીએમસીના તજજ્ઞાોની સેવાઓ પણ જરૂર જણાય તો લેવાનું નક્કી કરાયું હતું. બેઠકના અંતે ટીસીએસ તેમજ પીડબલ્યુડી દ્વારા હાલમાં કંપનીના ચાલતાં કામો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા કામોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.