જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની સીટોના સીમાંકન પર કામગીરી

478

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ગૃહમંત્રાલયની જવાબદારી સંભાળી લીધા બાદ એક્શનમાં દેખાઈ રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા સીટોના સીમાંકન ઉપર વિચારણા કરી રહ્યા છે. કાશ્મીરમાં સીમાંકન પંચની રચના ઉપર વિચારણા ચાલી રહી છે. રાજ્યમાં છેલ્લે ૧૯૯૫માં સીમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કુલ ૧૧૧ સીટો રહેલી છે પરંતુ ૨૪ સીટોને ખાલી રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના બંધારણની કલમ ૪૭ હેઠળ આ ૨૪ સીટોને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર માટે ખાલી રાખવામાં આવી છે. બાકીની ૮૭ સીટો પર ચૂંટણી યોજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં અલગ પ્રકારના બંધારણની વ્યવસ્થા છે. રાજ્યના બંધારણ મુજબ દર ૧૦ વર્ષ બાદ ચૂંટણી ક્ષેત્રોમાં સીમાંકનની પ્રક્રિયા થવી જોઇએ. આ રીતે જમ્મુ કાશ્મીરમાં સીટોના સીમાંકન પ્રક્રિયા ૨૦૦૫માં કરવાની જરૂર હતી પરંતુ ફારુક અબ્દુલ્લા સરકારે ૨૦૦૨માં આના ઉપર ૨૦૨૬ સુધી પ્રતિબંધ મુકી દીધો હતો.

અબ્દુલ્લા સરકારે જમ્મુ કાશ્મીર જન પ્રતિનિધિત્વ કાયદા, ૧૯૫૭ અને જમ્મુ કાશ્મીરના બંધારણમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જમ્મુ ક્ષેત્રની વસ્તી ૫૩૭૮૫૩૮ છે. આ પ્રાંતની ૪૨.૮૯ ટકા વસ્તી છે. ૨૫.૯૩ ટકા ક્ષેત્ર જમ્મુમાં આવે છે અને વિધાનસબાની ૩૭ સીટો અહીં રહેલી છે. બીજી બાજુ કાશ્મીર ખીણની વસતી ૬૮૮૮૪૭૫ છે. આ પ્રાંતની ૫૪.૯૩ ટકા હિસ્સેદારી છે. અહીંથી ૪૬ વિધાનસભા સીટો રહેલી છે. આ ઉપરાંત લડાખમાં ચાર વિધાનસભા સીટો રહેલી છે. કેન્દ્ર સરકાર અહીં સીમાંકન ઉપર ભાર મુકી રહી છે. કારણ કે, એસસી અને એસટી સમુદાય માટે રિઝર્વ રાખવામાં આવેલી નવી વ્યવસ્થાને અમલી કરી શકાય છે. ખીણની કોઇપણ સીટ ઉપર રિઝર્વેશનની વ્યવસ્થા નથી પરંતુ ૧૧ ટકા ગુર્જર અને ગદ્દી જનજાતિ સમુદાયના લોકોની વસતી છે. જમ્મુમાં સાત સીટો એસસી માટે રિઝર્વ છે જેના માટે રોટેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ અમિત શાહ એક્શનમાં આવ્યા છે.

Previous articleફાયર સેફ્‌ટી માટે હવે સ્થળ પર જ NOC અપાશે, ૩૫૦ ક્લાસીસને એનઓસી મળી
Next articleપશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર પાંચ વર્ષ પુરા નહી કરેઃ ભાજપ