કેરળમાં ફરી એકવાર નિપાહ વાઈરસ પ્રવેશ્યો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ એક દર્દીમાં આ વાઈરસ મળવાની વાત કરી છે. એર્નાકુલમના ૨૩ વર્ષીય એક વ્યક્તિનો પુણે વાયરોલોજી ઈન્સ્ટીટ્યૂટનો ટેસ્ટ રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે.
રાજ્યના ૮૬ સંદિગ્ધ દર્દીઓની ડોક્ટરોની દેખરેખમાં સારવાર ચાલી રહી છે. જો કે આ દર્દીઓમાં હાલ નિપાહ વાઈરસની પુષ્ટિ થઈ શકી નથી. એર્નાકુલમ મેડિકલ કોલેજમાં બિમારીની સારવાર માટે અલગથી સ્પેશયલ વોર્ડ બનાવાયો છે. ૨૦૧૮માં કેરળમાં નિપાહ વાઈરસથી અંદાજે ૧૬ લોકોના મોત થયા હતા. ૭૫૦થી વધારે દર્દીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રીએ સોશયલ મીડિયાના આધારે લોકોને કહ્યું કે, ગભરાવવાની કોઈ જરૂર નથી. સ્વાસ્થ્ય વિભાગ દરેક પ્રકારની પરિસ્થિતીઓને સંભાળવા માટે તૈયાર છે. અમારી પાસે જરૂરિયાતમંદ તમામ દવાઓ પણ છે. આ બિમારી સામે લડવા માટે એર્નાકુલમ મેડિકલ કોલેજમાં અલગથી વોર્ડ બનાવવામાં આવ્યો છે.
સ્વાસ્થ્યમંત્રી પી વિજયને કહ્યું કે, પરિસ્થિતી પર નજર રાખવામાં આવી રહી છે અને તે માટેના તમામ ઉપાયો શોધાઈ રહ્યા છે.
આરોગ્ય મંત્રીએ મુખ્યમંત્રી પિનરાયી વિજયનને આ ઘટનાક્રમ અંગે માહિતી આપી છે અને હવે તેઓ કોચ્ચિ પહોંચ્યાં છે. તેમણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે ઉચ્ચ સ્તરની એક બેઠક પણ કરી હતી.
નિષ્ણાતો પ્રમાણે, આ વાઈરસ ચામાચીડિયાથી ફેલાઈ છે. જેને ફ્રુટ બૈટ કહેવાય છે. ચામાચીડીયું કોઈ ફળ કે શાકભાજીને ખાઈ લે અને તે જ ફળ કે શાકભાજી માણસ કે પશુ ખાય તો સંક્રમિત થઈ જાય છે. નિપાહ વાઈરસ માણસો ઉપરાંત પશુઓમાં પણ ફેલાય છે. આ વાઈરસના પ્રાથમિક લક્ષણોમાં માથાનો દુખાવો અને તાવ છે.
કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારે કેરાલાને આ માટે તમામ મદદ પુરી પાડવાનુ આશ્વાસન આપ્યુ છે.આ વાયરસ ચામાચિડિયા થકી ફેલાતો હોવાથી સરકાર વન વિભાગના પણ સંપર્કમાં છે.કેન્દ્રની એક ટીમને પણ કેરાલ મોકલવામાં આવી છે.