ભાજપ ઉપર પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકાવવાનો આરોપ મૂકતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે હવેથી રાજ્યમાં ભાજપના વિજય જૂલુસને પરવાનગી નહીં આપવામાં આવે. તેમણે કહ્યું કે પોલીસને સૂચના આપવામાં આવી છે કે આ આદેશનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
નોર્થ ૨૪ પરગના જિલ્લાના નિમતામાં માર્યા ગયેલા તૃણમુલ કોંગ્રેસના નેતાના ઘરે પહોંચેલા મમતા બેનરજીએ કહ્યું કે તેમની પાસે એવી માહિતી છે કે ભાજપે વિજય સરઘસના નામે હુગલી, બાંકુરા, પુરુલિયા અને મિદનાપુર જિલ્લાઓમાં અવ્યવસ્થા ફેલાવી છે.
મમતા બેનરજીએ કહ્યું કે હવેથી એક પણ સરઘસ ન નીકળવું જોઇએ કારણ કે લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યાને દસ દિવસ કરતા વધારે સમય થઇ ગયો છે. તેમણે કહ્યું કે હવે જો કોઇ નેતા રાજ્યમાં હુલ્લડ જેવી સ્થિતિ પેદા કરવાની કોશિશ કરશે તો પોલીસ કાયદા પ્રમાણે કાર્યવાહી કરશે.