ગુજરાતમાં ૧૩થી ચોમાસાનું આગમન થાય તેવી આગાહી

681

દેશમાં કેરળ સહિત અનેક રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ૧૩ જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. રાજયમાં ઓલરેડી ગઇકાલથી પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે અને તેના ભાગરૂપે રાજ્યના નવસારી-વલસાડ સહિતના પથંકોમાં વરસાદ વરસ્યો હતો. ચોમાસાની એન્ટ્રીને લઇ રાજયના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહ્યા છે, તો બીજીબાજુ, શહેરી વિસ્તારમાં પ્રજાજનો પણ હવે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ્‌ કંટાળ્યા હોઇ તેઓ પણ ચોમાસાના વરસાદ અને ઠંડકની ભારે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વખતે ચોમાસુ એકંદરે સારૂં અને રાહતમય રહેવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી છે, જેને લઇ રાજયના ખેડૂતો સહિતના પ્રજાજનોમાં પણ ભારે ખુશીની લાગણી પ્રસરી છે. ઉનાળાની ત્રણ મહિનાની કાળઝાળ ગરમી બાદ ગઇકાલે દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવીટીની શરૂઆત થઇ ગઇ હતી અને નવસારી, વલસાડ સહિતના પંથકોમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની એન્ટ્રીને લઇ સ્થાનિક લોકોમાં ગરમીથી રાહતની લાગણી જોવા મળી હતી. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં બે દિવસ બાદ ગરમીમાં રાહત થાય તેવી શક્યતાઓ છે.

આગામી સપ્તાહ સુધીમાં ચોમાસાનું પણ આગમન થવાની પૂરી શકયતા છે. છેલ્લા વર્ષ કરતા આ વર્ષે ગરમીનો પારો વધારે હોવાથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાક અને પાણી જેવી સમસ્યાઓથી લોકો પીડાયા છે. ઉપરાંત ગરમીના કારણે કેટલીક મોતની ઘટનાઓ પણ સામે આવી હતી. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે. આ વખતે ચોમાસું સારૂ અને લાંબુ રહેશે. જેથી દેશવાસીઓ ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી તા.૧૩મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શકયતા છે.

Previous articleસતત ત્રીજા દિવસે ખેડૂતોનાં ઉપવાસ : ખાસ રીતે વિરોધ
Next articleરાજ્યમાં હિટવેવ : પારો ૪૫થી ઉપર