ભાવનગર જિલ્લાના જેસર ખાતે દારૂ અંગે દરોડો પાડવા ગયેલી પોલીસ ઉપર લોકોનાં ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં ચારેક જેટલા પોલીસ જવાનોને ઇજા થવા ઉપરાંત સરકારી વાહનોને નુકશાન કરાતા પોલીસે ટોળાને વિખેરવા બે રાઉન્ડ ફાયરીંગ કર્યાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. બનાવ અંગે મળતા અહેવાલો મુજબ રાજ્યના ડીજીપીની સૂચના મૂજબ દારૂનાં દુષણને ડામવા માટે સમગ્ર રાજ્યમાં દરોડા પાડવાનાં અપાયેલા આદેશનાં પગલે મહુવાનાં જેસર પો.સ્ટે.ના પીએસઆઇ બી.ડી.વાઘેલા સ્ટાફ સાથે પીપરડી ગામે દરોડો પાડવા ગયા હતા. જ્યાં બુટલેગર સહિત ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પોલીસની જીપ સહિત સરકારી વાહનોને ભારે નુકશાન કર્યું હુમલામાં બે મહિલા સહિત ૩ કોન્સ્ટેબલ અને પીએસઆઇને ઇજા થવા પામી હતી. જ્યારે પોલીસે પોતાનાં સ્વબચાવ માટે બે થી ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યુ ંહોવાનું જાણવા મળી રહેલ છે. બનાવ બનતા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે પોલીસ કાફલા ઉપર હુમલો થયાનાં સમાચાર મળતા ડીવાઇએસપી સહિતનો પોલીસ કાફલો પીપરડી ગામે દોડી ગયો હોવાનું અને મામલો થાળે પાડ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. આ બનાવ સંદર્ભે ૨૭ વિરૂદ્ધ નામ જોગ સહિત ૮૦ લોકોનાં ટોળા વિરૂદ્ધ પોલીસ ઉપર હુમલો કરવા તેમજ સરકારી વાહનોને નુકશાન કર્યાની કલમો તળે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.