પાકવીમા, ભાવાંતર યોજના, ચેક ડેમ રિપેર કરવા, તળાવો ઉંડા કરવા સહિતની માંગણીઓને લઇને રાજકોટના બેડી માર્કેટ યાર્ડ બહાર પાકવીમાને લઇને ખેડૂતોના ઉપવાસ આંદોલનના આજે સતત ૪થા દિવસે ખેડૂતો દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં એટલે કે, શર્ટ કાઢીને હોમ-હવન અને યજ્ઞ કર્યો હતો કે જેથી રાજય સરકારને સદ્દબુધ્ધિ આવે. જો કે, આજે બપોર સુધીમાં ભાજપ જિલ્લા પ્રમુખ ડી.કે.સખીયાની મધ્યસ્થી અને સરકાર તરફથી હકારાત્મક અભિગમ અપનાવી લેખિતમાં હૈયાધારણ અને ખાતરી મળતાં આખરે ચાર દિવસના ઉપવાસ બાદ આજે ખેડૂતોનું ઉપવાસ આંદોલન સમેટાયું હતું અને સખીયાએ ઉપવાસ પર ઉતરેલા ખેડૂતોને લીંબુ પાણી પીવડાવી પારણાં કરાવ્યા હતા. ડી.કે.સખીયાએ સરકાર તરફથી ખેડૂતોને કપાસનો પાક વીમો જૂલાઇના અંત સુધીમાં ચૂકવાઇ જશે તેવી સ્પષ્ટ ખાતરી ઉચ્ચારી હતી.
આ સિવાય ચેકડેમ રિપેર કરવા અને તળાવો ઉંડા કરવાની કામગીરી પણ વેગવંતી બનાવી તે ઝડપથી પૂર્ણ કરાશે, તેવી હૈયાધારણ આપી હતી. ખેડૂતોના પારણાંને પગલે રાજયના ખેડૂતઆલમમાં પણ ખુશીની લાગણી ફેલાઇ હતી.
દરમ્યાન ખેડૂતોના આમરણાંત ઉપવાસના આજના ૪થા દિવસે એનસીપીના નેતા રેશ્મા પટેલે પણ ખેડૂતોની લડતને સમર્થન કર્યું હતું અને તેમણે સરકાર તથા વીમા કંપનીઓ પર આક્ષેપો કર્યા હતા.
આ અગાઉ આજે સવારે ખેડૂતોએ શર્ટ કાઢી સરકાર અને વીમા કંપનીઓને સદબુદ્ધિ આપે તે માટે હવન-યજ્ઞ કર્યો હતો. જેમાં ખેડૂતોએ ભર તડકામાં શર્ટ કાઢી અગ્નિકુંડમાં આહુતિ આપી હતી. આંદોલનને સમર્થન આપનાર રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી ખેડૂતો પાકવીમા માટે ઉપવાસ આંદોલન પર બેઠા છે. ખેડૂતોનું પેટ ભરવા સરકાર હવે જાગે, સરકારને એટલું જ કહું છું કે તમારો વિકાસ બહુ થઇ ગયો છે હવે ખેડૂતોનો વિકાસ કરો. આ અંગે અમે કલેક્ટરને પણ પત્રો લખીશું. એક વિરોધ પક્ષના નેતા તરીકે હું અહીં સમર્થન આપવા આવી છું. ખેડૂતો જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગામડે ગામડે જઇ ઉગ્ર વિરોધ કરીશું. ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે ૪થો દિવસ હતો ત્યારે બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે. સખીયા અને યાર્ડના હોદ્દેદારો મધ્યસ્થી બનવા માટે પહોંચ્યા હતા. ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી તેમણે ખેડૂતોને પારણાં માટે સમજાવ્યા હતા અને જૂલાઇના અંત સુધીમાં પાક વીમાની લેખિત બાંહેધરી આપતાં ખેડૂતોએ આખરે પારણાં કર્યા હતા. ભાવાંતર યોજનાના અમલીકરણમાં ભ્રષ્ટાચાર સહિતના કેટલાક પરિબળોના જોખમ રહેલા હોઇ સરકાર દ્વારા તેના કરતાં વધુ સારી કોઇ યોજના ખેડૂતો માટે લાગુ કરવામાં આવે તે દિશામાં પગલાં લેવાની ખાતરી પણ તેમણે આપી હતી. તો, ચૂંટણીના સમયને લઇ આચારસંહિતાના કારણે ચેકડેમ રિપેરીંગ અને તળાવો ઉંડા કરવાની કામગીરી વિલંબિત થઇ હતી પરંતુ તે પણ હવે વેગવંતી બનાવી તેની ઝડપથી પૂર્ણાહુતિ કરવાની હૈયાધારણ પણ તેમણે ઉચ્ચારી હતી. ખેડૂતોએ લીંબુપાણી પીધા અને પારણાં કર્યા હતા પરંતુ સાથે સાથા ચીમકી ઉચ્ચારી હતી, જો આ ખાતરીનું પાલન નહી થાય તો, ખેડૂતો ફરી ઉપવાસ આંદોલન ચાલુ કરશે. આમ, ખેડૂતોના સતત ચાર દિવસના આમરણાંત ઉપવાસ આંદોલન બાદ આજે સુખદ ઉકેલ આવતાં ખેડૂતઆલમમમાં પણ ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી.