શહેરમાં વિકસાવેલા વાઇલ્ડરનેશ પાર્ક અને પુનિતવનનાં વિકાસની યોજના માટે ૨૦૧૪માં મહાપાલિકાએ સરકારમાં રજુ કરેલી ૧૨૫ લાખનાં ખર્ચની યોજના સચિવાલયમાં ખોવાઇ ગઇ છે. યોજના અંતર્ગત નવા લેન્ડ સ્કેપિંગ અને વાંસનું વન વિકસાવવા સાથે કોતરોને ફુલોથી આચ્છાદિત કરવાના હતાં. સસ્પેન્શન બ્રિજ, જોગીંગ ટ્રેક, તળાવ સુશોભન, લેન્ડ સ્કેપિંગ ઉભી કરવાથી મુલાકાતી કુદરત સાથે વધુ તાદાત્મ્ય સાધી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.
રાશી અને નક્ષત્રના આધાર પરના પુનિતવનમાં પાટનગરના મહાનુભાવો અને નાગરિકો દરરોજ ચાલવા-દોડવા તથા યોગ-પ્રાણાયામ કરવા આવે છે. કુદરતના અનેક રંગ વિખેરાયા છે. તેવા આ સ્થળનો નૈસર્ગિક સૌંદર્યને અક બંધ રાખીને વધુ સારો વિકાસ થાય તેમ છે.
રાજ્યના તત્કાલીન માર્ગ અને મકાન તથા પાટનગર યોજના મંત્રી ઉપરાંત શહેરી વિકાસ મંત્રી સાથે ચર્ચા બાદ કરેલી દરખાસ્તમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જે આર ચૌધરીએ જણાવ્યું હતું કે પુનિતવનમાં ૩ કિલોમીટર જેટલી લંબાઇનાં જોગીંગ ટ્રેકને વધુ સમથળ બનાવીને લાલ માટીથી સુરક્ષિત કરવાનું છે. તળાવની સુરક્ષા અને સૌંદર્ય નિખારવા ૩ હજાર ચોરસ મીટર વિસ્તારમાં ચેકર્ડ ટાઇલ્સ લગાડવાની છે. પ્રવાસીઓ નિરાંતે બેસી શકે તેના માટે વાંસના હટ બનાવવા જરૂરી છે.
વાઇલ્ડરનેશ પાર્કમાં લેન્ડ સ્કેપિંગ કરીને વાંસનું વન વિકસાવાય અને જરૂરી સ્થળો નક્કી કરીને ત્યાં સસ્પેન્શન બ્રિજ બાંધવાથી નવાં આકર્ષણ ઉભા થશે. કોતરોને ફુલોથી આચ્છાદિત કરવા ફુલઝાડ અને વેલાનું વાવેતર કરીને ઉછેરાય તો વધુ મનોહારી બની શકે. પાર્કમાં સોલર લાઇટ્સ લગાડવાથી વધારાની સુવિધા મળશે. આ રીતે શહેરીજનો તેમજ બહારથી આવતા લોકોને આકર્ષી શકાશે તેમ માનવામા આવતુ હતુ.
પુનિતવન અને વાઇલ્ડરનેશ પાર્કને વિકસાવવાની દરખાસ્ત સરકારમાંથી મંજુર થઇને આવી નથી. સરકાર કહેશે તો આ કામગીરી ભવિસ્યમાં હાથ પર લઇ શકાશે. સુત્રોએ કહ્યું કે મહાપાલિકા દ્વારા સરિતા ઉદ્યાન અને બાલોદ્યાનને વિકસાવવાની યોજના પૂર્ણ કરાઇ છે.