ભારતીય હવાઈ દળના લાપત્તા થયેલા વિમાન એએન-૩૨નો કાટમાળ અરુણાચલ પ્રદેશના સિયાન જિલ્લામાં દેખાયો હોવાના અહેવાલ મળ્યા છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. વિમાનને છેલ્લા એક સપ્તાહથી શોધી કાઢવાની પ્રક્રિયા ચાલી રહી હતી. હવે એવી જગ્યા ઉપર પણ પહોંચવાની બાબત પણ મુશ્કેલરુપ દેખાઈ રહી છે જ્યાં કાટમાળ દેખાઇ આવ્યો છે. કારણ કે, આ વિસ્તારમાં વન્ય વિસ્તાર છે. કાટમાળ વાળી જગ્યા પર કમાન્ડોને હવે હેલિકોપ્ટર મારફતે ઉતારવામાં આવશે અને ગ્રાઉન્ડ પાર્ટીને ત્યાં પહોંચવામાં એક અથવા બે દિવસ લાગી શકે છે. પૂર્વ અરુણાચલ પ્રદેશની પહાડીઓ ઉપર અગાઉ પણ આવા વિમાનોના કાટમાળ મળ્યા છે જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લાપત્તા થઇ ગયા હતા. આ અમેરિકી વિમાન ચીનના કુનમિંગમાં લડી રહેલા તાત્કાલિક ચીની પ્રમુખ ચિયાંગ કોઇ શેકના સૈનિકો અને અમેરિકી સૈનિકો માટે જરૂરી સપ્લાય લઇને જતા હતા. જુદા જુદા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જ્યાં કાટમાળ નજરે પડ્યો છે તે ખુબ જ જટિલ વિસ્તાર છે.
પહોંચવાની બાબત મુશ્કેલરુપ છે. ૧૩ લોકોની સાથે આ વિમાન ત્રીજી જૂનના દિવસે આસામના એરબેઝથી રવાના થયું હતું. ત્યારબાદ સુખોઈ ૩૦, સી-૧૩૦, પી-૮આઈ વિમાન, ડ્રોન અને સેટેલાઇટ મારફતે શોધખોળ ચાલી રહી હતી છતાં કોઇપણ પ્રકારની ભાળ મળી રહી નહતી. પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. શોધખોળ અભિયાનમાં હવાઈ દળ ઉપરાંત નૌકા સેના, ગુપ્તચર સંસ્થાઓ, આઈટીબીટી અને પોલીસ જવાનો લાગેલા હતા. આ એવા વિસ્તાર તરીકે છે જ્યાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પૂર્વ અરુણાચલ પ્રદેશમાં રોઇંગ જિલ્લામાં ૭૫ વર્ષથી લાપત્તા થયેલા એક વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. આ અમેરિકી હવાઈ દળના વિમાનનો કાટમાળ હતો. આજે બપોરે શોધખોળ દરમિયાન લાપત્તા થયેલા એએન-૩૨ વિમાનનો કાટમાળ લિપોથી ૧૬ કિલોમીટરના અંતરે દેખાયો હોવાના અહેવાલ મળ્યા છે. એમઆઈ-૧૭ હેલિકોપ્ટરને સર્ચ ઓપરેશન દરમિયાન આશરે ૧૨૦૦૦ ફુટની ઉંચાઈ ઉપર ટાટોના ઉત્તર પૂર્વમાં આ કાટમાળ નજરે પડ્યો હતો. સાત દિવસથી વધુનો સમય ગાળો થઇ ગયો હોવાથી હવે કોઇપણ માણસ જીવિત હોય તેવી શક્યતા નહીંવત બનેલી છે. સાથે સાથે ચમત્કાર હોવાની સ્થિતિમાં કોઇ ઇજાગ્રસ્ત સ્થિતિમાં મળી શકવાની આશા પણ કેટલાક લોકોએ છોડી નથી. અરુણાચલ પ્રદેશમાં કાટમાળ મળી આવતા અટકળોનો અંત આવ્યો છે.