ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લીધી હતી. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની આગાહીના પગલે સંભવિત અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યા હતા. ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો પણ રાહત કામગીરીના આયોજન અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતરની કામગીરીમાં મદદરુપ થયા હતા. ગુજરાત સરકાર દ્વારા પણ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા ૪૮ કલાકથી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા હતા. સંભવિત વિભાગોની બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વાઘાણીએ ભાજપની પ્રદેશ બેઠકો રદ કરી હતી અને દિલ્હી ખાતેની ભાજપની રાષ્ટ્રીય બેઠકમાં જવાનું પણ રદ કરીને ગુજરાતના દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં ભાજપ કાર્યકરો અને અગ્રણી બચાવ કામગીરી અને ત્યાંના સ્થાનિક લોકોની સલામતીના સેવા કાર્યમાં જોડાવવા આગળ આવ્યા હતા. કમલમ ખાતે વાવાઝોડા અસરગ્રસ્તોને મદદ મળે તે માટે રાઉન્ડ ક્લોક કન્ટ્રોલ રુમની શરૂઆત કરવામાં આવી છે.
સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં ભાજપના કાર્યલયો ખાતે કન્ટ્રોલ રુમની શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરના ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે કન્ટ્રોલ રુમ શરૂ કરવામાં આવી ચુક્યા છે. વાઘાણીએ રાજકોટમાં ભાજપ કાર્યાલય ખાતે શરૂ કરેલા કન્ટ્રોલ રુમની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી હતી.
ઉપસ્થિત તમામ ભાજપ કાર્યકરોને ફુડ પેકેટ, મેડિકલ સહાય, રાહત કેમ્પ, સ્થળાંતર જેવા મામલામાં મદદરુપ થવા માટે માર્ગદર્શન આપ્યું હતું. વાઘાણી વેરાવળ-સોમનાથ જઇ સોમનાથ મહાદેવના દર્શન કરીને ગુજરાત પર આવી રહેલી કુદરતી હોનારતમાં નુકસાન ન થાય તે માટે પ્રાર્થના કરી હતી. વાઘાણીએ ગીર સોમનાથ જિલ્લાના સુત્રપાડાના સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઇને તંત્રવાહકોની સંસ્થા તથા સ્થાનિક લોકોને ઉંચાઈવાળા સલામત સ્થળ સ્થળાંતર કરવા સહિતની તમામ કામગીરી સમીક્ષા કરી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં બેઠકો પણ યોજવામાં આવી હતી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉભી થયેલી પરિસ્થિતિની ઉંડી સમીક્ષા કરવામાં આવી હતી. બચાવ કામગીરી અને રાહતમાં જોડાવવા સીધી અપીલ કરવામાં આવી હતી.