ભાવનગરના મહુવા ખાતે તળપદા કોળી સમાજની વાડીમાં અનેક નાગરિકોને આશ્રય આપવામાં આવ્યો છે. અહીં આશ્રિતો માટે બનાવાઈ રહેલા ભોજનની કામગીરીમાં રાજ્યમંત્રી ખુદ પણ જોડાઈ ગયાં હતાં અને સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ સિવાય ભાવનગર જિલ્લાતંત્રની રાહબરી હેઠળ જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા મહુવાની શાળા નં.૫ ખાતે સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે ભોજન-નિવાસની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન, આજે બપોરે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે, પ્રભારી સચિવ અંજુ શર્મા, કલેક્ટર હર્ષદ પટેલ, ડી.ડી.ઓ. વરુણકુમાર બરનવાલ સહિત ડીઆરડીએ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ દ્વારા આ શેલ્ટર હોમની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં આ તમામ લોકો દ્વારા આશ્રિતોને ભોજન પીરસવામાં હતું. આ ઉપરાંત, મંત્રીશ્રીએ મહિલાઓ, પુરુષો અને બાળકોને મળી, તેમનાં ખબર અંતર પૂછ્યાં હતાં તેમજ તેમની જરૂરિયાતો અને મુશ્કેલીઓ વિશે માહિતી મેળવી ઉકેલ માટે તંત્રને જરૂરી ભલામણો કરી હતી.