ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે એક પણ બોલ પડ્યા વગર જ ધોવાઈ ગઈ. હવે ભારતની આગામી મેચ ૧૬મી જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની વર્લ્ડ કપની મેચ વરસાદના કારણે રદ થઈ ગયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી. જો કે તેણે પોતાનું પૂરેપૂરું ફોકસ પાકિસ્તાન સામેની આગામી મેચ પર જમાવી દીધુ છે. કોહલીએ કહ્યું કે આ મેચમાં તેઓ પાકિસ્તાન સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
કોહલીએ આગામી મેચ વિશે કહ્યું કે “વર્ષોથી અમારા મુકાબલા પ્રતિસ્પર્ધી રહ્યાં છે. દુનિયાભરમાં લોકોને તેમાં રસ હોય છે અને આટલી મોટી મેચનો ભાગ હોવું એ ગર્વની વાત છે. તેમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ.” તેણે કહ્યું કે “અમને ખબર છે કે અમારી માનસિક તૈયારી પૂરી છે. મેદાન પર જઈને રણનીતિનો અમલ કરવાનો છે.”
સરહદની આરપાર બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોહલીએ કહ્યું કે “મેદાન પર ઉતરતા જ બધુ શાંત થઈ જાય છે. બહારથી માહોલ પહેલી નજરે ડરામણો દેખાય પરંતુ અંદર એવું કઈ હોતું નથી. અમે અમારી રણનીતિનો અમલ કરીશું.”