વલસાડમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. વલસાડની આરએમ વીએમ સ્કુલના નામે જીગ્નેશ મેવાણીએ ટિ્વટર પર ટિપ્પણી કરતી એક પોસ્ટ કરી હતી. જેના કારણે જીગ્નેશ મેવાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.
જીગ્નેશ મેવાણીની ટિ્વટના કારણે રાજ્યમાં વિવાદ થયો હતો. અને વિવાદ વધતા મેવાણીએ પોતાના ટિ્વટર હેન્ડલ પરથી ટિ્વટ હટાવ્યું હતું. આ મામલો મે મહિનાનો છે. જ્યારે ટ્વીટર પર મેવાણીએ આ વીડિયો પોસ્ટ કર્યો ત્યારે શાળાએ ખુલાસો આપ્યો હતો કે આ વીડિયો અમારી શાળાનો નથી અને અંતે શાળાએ પોલીસ ફરિયાદ કરી હતી.
જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આરએમવીએમ શાળાના આચાર્યએ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ચૂકી છે. આ ઘટનામાં વલસાડની આરએમવીએમ શાળાને બદનામ કરાતા ટિ્વટ કરનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાઇ છે.
જીગ્નેશ મેવાણીએ આ ઘટના સામે આવ્યા બાદ પોતાનો પક્ષ રાખ્યો હતો. મેવાણીએ કહ્યું કે, આ ફરિયાદ નકામી છે. મે શાળાના સંચાલકોને માઠું ન લાગે તેથી મેં માફી માંગી હતી. તેમ છતાં ગુનો દાખલ થયો હોવાથી આ એફઆઈઆર ટકી શકશે નહીં. મેં તો સરકાર પાસેથી ખુલાસો માંગ્યો હતો, મેં ક્યાંય આક્ષેપ કર્યો નહોતો.