તોમર સાથે રૂપાણીની ખેડૂત સંબંધિત મુદ્દાઓ ઉપર ચર્ચા

565

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી વિષયો અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. તેમણે કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા આ બેઠકમાં હાથ ધરી હતી. મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં કૃષિમંત્રી આરસી ફળદુ અને મુખ્ય સચિવ ડૉ. જેએન સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય કૃષિ મંત્રીને મળ્યું હતું. વિજય રૂપાણીએ ગુજરાતના કિસાનોની પાક લોન એડવાન્સ પરના વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શન લાભ આપવાના પેન્ડીંગ કલેઇમ્સ અંગે પણ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે ચર્ચાઓ કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રી સાથેની આ બેઠકમાં એવું નિર્ધારીત કરવામાં આવ્યું કે, રાજ્યમાં રાયડાની ટેકાના ભાવે ખરીદીની યોજના ૩૦ જૂન ર૦૧૯ સુધી લંબાવવામાં આવશે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે મુખ્યમંત્રીને ખાતરી આપતાં જણાવ્યું કે, રાજ્યની કૃષિ ક્ષેત્રસંબંધિત બધી જ પડતર બાબતોનો ઉકેલ લાવવા કેન્દ્રીય કૃષિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને યોગ્ય દિશાનિર્દેશો આપી દેવાશે. ભારત સરકારે સહકારી અને રાષ્ટ્રીયકૃત બેન્કોને વ્યાજ રાહત-ઇન્ટરેસ્ટ સબવેન્શનની ચૂકવણી ત્વરાએ કરીને ખેડૂતોને આ કારણોસર કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો પણ  નિર્ણય કર્યો છે.

ખેત ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક સુધારણા માટે તેમજ કૃષિ કલ્યાણને વધુ સુદ્રઢ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને સંયુકતપણે પગલાં લેશે તે બાબતો પણ આ બેઠકમાં ફોકસ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કૃષિના અધિક મુખ્ય સચિવ સંજ્ય પ્રસાદ, કૃષિ નિયામક ભરત મોદી સહિત કૃષિના અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.  આ બેઠક બાદ મુખ્યમંત્રીએ નવનિયુકત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાની પણ તેમના કાર્યાલયમાં જઇને સૌજન્ય મૂલાકાત કરી હતી.

Previous articleડોક્ટર્સને હડતાળ પર ન જવા નીતિન પટેલની અપીલ
Next articleમંદિર સહિત ધર્મસ્થાન પાસેથી સફાઇ કર વસૂલાશે