નાયબ મુખ્ય મંત્રી અને આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલ હુમલોએ દુઃખદ બનાવ છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દુઃખની લાગણી અનુભવે છે. ગુજરાતના ડોક્ટર્સ ધ્વારા તા.૧૭મી જૂન રોજ હડતાલ પર જવાનું એલાન આપ્યુ છે ત્યારે દર્દીઓના હિતમાં ડોક્ટરોને હડતાલ પર ન જવા નાયબ મુખ્યમંત્રીએ અપીલ કરી છે.
નાયબ મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેઓને કોઇ તકલીફ ન પડે તે માટે તથા ઇમરજન્સી તથા કેજ્યુલીટી સમયે પણ દર્દીને સત્વરે સારવાર મળી રહે તે આશયથી દર્દીના હિતને ધ્યાનમાં લઇ રાજ્યના ડોક્ટરોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. તેમાં તમામ ડોક્ટર્સ તથા એસોશીએશનો સહકાર આપીને પોતાની સેવાઓ તથા યથાવત રાખે તે જરૂરી છે.
તેમણે ઉમેર્યુ કે, પશ્ચિમ બંગાળની ઘટના સંદર્ભે ગુજરાતના ડોક્ટરો તથા આનુસંગીક સ્ટાફની જે લાગણીઓ છે તે કેન્દ્ર સરકાર સમક્ષ તેમજ પશ્ચિમ બંગાળ સરકારને પણ રાજ્ય સરકાર અચૂક પહોંચાડશે. માનવતાના આ સેવા યજ્ઞમાં પોતાની નૈતિક જવાબદારી સમજીને તેઓએ હડતાલ પર ન જવુ જોઇએ. રાજ્ય સરકાર હંમેશા તેઓની પડખે ઉભી જ છે. અને રહેશે. તેમ તેમણે ઉમેર્યુ હતુ.