ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ આઠ માસની કડક તાલીમ મેળવીને ગુજરાત પોલીસ દળમાં જોડાવાને લાયક ઠરેલા ૬૨૯ હથિયારી લોકરક્ષકોને આવકાર આપતાં જણાવ્યું કે, રાજય પોલીસ દળમાં શિક્ષિત અને દિક્ષિત નવલોહિયા જવાનોનો પ્રવેશ એ આનંદની વાત છે. દેશમાં ગુજરાતનું પોલીસ દળ સહુથી વધુ યુવાન અને શિક્ષિત પોલીસ દળ છે. રાજય સરકારે પોલીસ માળખાને વર્તમાન સમયની માંગ પ્રમાણે કુશળ અને સક્ષમ બનાવવા છેલ્લા દસ વર્ષમાં ૫૦ હજાર જવાનોની ભરતી કરી છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વર્તમાન વર્ષમાં વધુ દસ હજાર પોલીસ જવાનોની ભરતીની મંજૂરી આપી છે. તેમણે પ્રશિક્ષણ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ દેખાવ કરનારા જવાનનોને ચંદ્રકોથી વિભૂષિત કર્યા હતા.હવે ગુનેગારો હાઇટેક છે, વાઇફાઇનો ઉપયોગ કરે છે ત્યારે રાજય પોલીસ દળ ટેકનોલોજીનો વિનિયોગ કરીને વધુ સચોટ ઇન્વેસ્ટીગેશન કરે અને કન્વીકશન રેટ વધે તે માટે રાજય સરકાર પોલીસ દળને જરૂરી સાધનો, પ્રશિક્ષણ અને માળખાકીય સગવડોનું અદ્યતનીકરણ હાથ ધર્યુ છે તેની ભૂમિકા આપતાં ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું કે, રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, લો યુનિવર્સિટીના શિક્ષિત યુવાનો પોલીસ ભરતીમાં જોડાય એ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે તાલીમની ઉચ્ચતમ ગુણવત્તા માટે પોલીસ તાલીમ શાળા, વડોદરાના આચાર્ય અને એમની ટીમને અભિનંદન આપ્યા હતા. પોલીસ તાલીમ શાળાના આચાર્ય આર.જે.સવાણીએ મહેમાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે અધિક પોલીસ મહા નિર્દેશક(તાલીમ) વિકાસ સહાય, હથિયારી એકમોના અધિક પોલીસ મહા નિર્દેશકશ્રી શમશેરસિંઘ, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહજી ગહલૌત, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ધારાસભ્ય મનીષાબેન, મેયર ડૉ. જિગીષાબેન શેઠ, નાયબ મેયર તથા મહાનુભાવો અને તાલીમાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.