જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ. જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થયો છે. સવારે ૮ વાગે ભગવાન જગન્નાથની જળયાત્રાનો પ્રારંભ થયો હતો. જળયાત્રામાં બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ તેમ જ ધજાપતાકા સાથે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા. શરણાઈઓના સૂર સાથે યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જળયાત્રા સાબરમતી નદીના ભૂદરના આરેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે સાબરમતીનું પવિત્ર જળ ૧૦૮ કળશમાં ભરી નિજમંદિર પરત ફરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જળયાત્રામાં હાજર રહ્યા હતા.
સાબરમતીના પવિત્ર જળને ૧૦૮ કળશમાં પધરાવતાં પહેલાં રાજ્યાના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજીએ ગંગાપૂજન કર્યું હતું. ગંગાપૂજનમાં પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલ પટેલ હાજર રહ્યા હતા. આ સાથે ૧૦૮ કળશમાં ભરેલાં જળનો ભગવાનને શાસ્ત્રોક્ત વિધિથી જળ અભિષેક કરવામાં આવ્યો. જળાભિષેકમાં ભગવાનની પ્રતિમાને દૂધ-કેસરથી સ્નાન કરાયું. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથનું ષોડશોપચાર પૂજન-ભગવાનને શ્રૃંગારમાં ગજવેશ ધારણ કરાવાયું.
અમદાવાદનાં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે પૂનમના દિવસે જળયાત્રામાં ૧૫ ગજરાજ,૧૦૮ ધજા, ૬૦૦ ધજા પતાકા, અખાડા, નૃત્યમંડળી તથા રાસમંડળી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવાની વિધિમાં ભાગ લીધો હતો.. સોમનાથ ભૂદરના આરેથી ૧૦૮ ઘડામાં જળ ભરવામાં આવ્યું હતું.
એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીના બદલે જગન્નાથજીનાં દર્શન થતાં તેને લાગ્યું કે, તેઓ ભગવાન ન હોઈ શકે અને તેથી તેણે અન્નજળનો ત્યાગ કર્યો. જ્યારે જ્યેષ્ઠાભિષેક થયો ત્યારે તેને ગણેશનાં દર્શન થયાં, ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે.
૧૭મી જૂનથી ૨ જૂલાઇ દરમિયાન રોજ સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન સરસપુર મંદિરમાં પણ ભકતજનો દ્વારા ખાસ કરીને બહેનો દ્વારા ભજનધૂનના ભકિત કાર્યક્રમો જામશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યાં બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે અને એ જ દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે નગરજનોના ખબરઅંતર જાણવા નગરયાત્રાએ પધારશે જે રથયાત્રામાં શહેરીજનો ઉમળકાભેર ભાગ લે છે.