મધ્યાહન ભોજનનું રસોડુ બંધ તંત્રના આદેશથી શિક્ષકોએ વ્યવસ્થા કરી

1176
gandhi322018-5.jpg

રાજયની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે મધ્યાહન ભોજન તૈયાર કરતા કર્મચારીઓ દ્વારા પોતાની પગાર વધારા સહિતની પડતર માંગણીઓને લઇ ગુરૂવારના રોજ એક દિવસ માટે મધ્યાહન ભોજનનું રસોડુ બંધ રાખવાનો કાર્યક્રમ અપાયો હતો. દહેગામ તાલુકા મધ્યાહન ભોજન મંડળના સભ્યોએ ટેકો આપતાં વિદ્યાર્થીઓ જમ્યા વિનાના ન રહે તે માટે શહેરની કુમારશાળામાં ભોજન તૈયાર કરવામાં આવ્યુ હતુ.દહેગામ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારી મંડળના સભ્યો રસોડા બંધના કાર્યક્રમમાં જોડાતા રસોઇ બનાવવાથી અળગા રહ્યા હતા. તાલુકામાં ચાલતા ૨૧૫ મધ્યાહન ભોજન કેન્દ્રોની શાળાઓને અસર પહોંચી હતી. મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના આંદોલનના પગલે વહિવટી તંત્ર દ્વારા શાળાના બાળકો ભોજન વિનાના ન રહે તે માટે જુદી જુદી શાળાના આચાર્યોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી હતી. દહેગામની કુમાર શાળા ખાતે શિક્ષિકા બહેનો દ્વારા બાળકો માટે ખિચડી તૈયાર કરવામાં આવી હતી.
સરકારના આદેશને પગલે શિક્ષકો દ્વારા ભોજન બનાવવામાં આવતાં દહેગામ તાલુકા મધ્યાહન ભોજન મંડળના પ્રમુખ કેસરીસિંહ પરમાર, મંત્રી કામિનીબેન જાનીએ જણાવ્યુ હતુ કે આજના આંદોલનમાં તાલુકામાંથી મધ્યાહન ભોજનના કર્મચારીઓ જોડાયા છે. અમે વિદ્યાર્થીઓને સમયસર ભોજન આપતા હોઇએ છીએ પરંતુ ક્યારેક મોડુ થતાં તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડતો હોવાનું જણાવી પગલા લેવાની ધમકી અપાય છે. જ્યારે આજે લોકશાહી પધ્ધતિથી હડતાળ કરી ત્યારે તંત્રએ શિક્ષકો દ્વારા ભોજન તૈયાર કરાવતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડયુ તેની જવાબદારી કોની ? મધ્યાહન ભોજન યોજનાના દહેગામ તાલુકામાં ૨૧૫ કેન્દ્રોના ૭૧૫ જેટલા કર્મચારી જોડાયેલા છે. હડતાળના પગલે શાળામાં બાળકોને જમવા માટેની વ્યવસ્થા અંગે દહેગામના મામલતદાર એચ એલ રાઠોડ તથા ડેપ્યુટી મામલતદાર કિંજલબેન મોદીએ શહેરની કુમાર શાળાનુ નિરીક્ષણ કરી આચાર્યોને જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

Previous articleમનપા બજેટઃ ગરીબ આવાસ, મલ્ટિલેવલ ર્પાકિંગ ખોવાયા
Next articleગુનાખોરી ડામવા રાજુલામાં મંજુર થયેલ ડીવાયએસપી કચેરી શરૂ કરવા માંગણી