રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ધંધુકા દ્વારા હંસનગર, આઇટીઆઇ પાસે, ધંધુકા ખાતે હિન્દુ સામ્રાજ્ય દિન ઉત્સવની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તા.૧૫ થી ૧૭ દરમ્યાન રોજ રાત્રે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધુકા નગર અને તાલુકામાંથી કુલ ૨૭ ટીમોએ ભાગ લીધો હતો.
તા.૧૭-૦૬-૧૯ ના રોજ કબડ્ડી સ્પર્ધાની સેમીફાઇનલ તથા ફાઇનલ સ્પર્ધાનું આયોજન તેમજ હિન્દુ સામ્રાજ્ય દિનનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અતિથિ તરીકે પ.પૂ.મહામંડલેશ્વરક ૧૦૦૮ પતિતપાવનદાસજી મહારાજ હાજર રહ્યા હતા અને તેનું માર્ગદર્શન મળ્યું હતું. મુખ્યવક્તા તરીકે મહિપાલસિંહ ઠાકુર હાજર રહ્યા હતા. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે જેટલો સંઘર્ષ મરાન તેટલી કિર્તિ મહાન, છત્રપતિ શિવાજી એ પોતાના કાર્યકાળમાં કોઇપણ કાર્ય યોજના વગરનથી કર્યું. શિવાજીએ સાથીઓ એવા તૈયાર કર્યા હતા કે જે મરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા.આ રાજ્ય ઇશ્વરની ઇચ્છા છે. એટલે આ માટી માટે, સ્વરાજ્ય માટે લડાઇ લડીએ છીએ તેવો રાષ્ટ્રભાવ શિવાજીએ જનજનમાં પેદા કર્યો હતો. વર્તમાન સમયમાં કોઇની જન્મતિથી ઉજવવા કરતાં તેમનાથી નિર્માણ કરેલાં સામ્રાજ્યને યાદ કરીને કર્તુત્વની પૂજા થાય તે આવશ્યક છે.
ધંધુકા નગર કાર્યવાહ વિજયભાઇ કણઝરીયાના જણાવ્યા અનુસાર કબડ્ડી સ્પર્ધાની ફાઇનલ ઉંચડી ટીમ જીતી હતી. વિજેતા અને રનર્સઅપ ટીમને છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો તેમજ તમામ ૨૭ ટીમોને સ્મૃતિ રૂપે ભારતમાતાનો ફોટો અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્વયંસસેવકો તથા અન્ય ભાઇઓ થઇને કુલ ૫૦૦ કરતાં પણ વધુ લોકો જોડાયા હતા.