બીસીસીઆઈએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારતમાં અફઘાનિસ્તાન ટી-૨૦ લીગના આયોજન કરવાની ના પાડી દીધી છે. બીસીસીઆઈના ઓફિશિયલે કહ્યું હતું કે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી)એ અમારી પાસેથી તેમની ટી-૨૦ લીગનું ભારતમાં આયોજન કરી શકે તે અંગે પરવાનગી માગી હતી, જોકે અમારી પોતાની લીગ (આઇપીએલ) ચાલતી હોવાથી તેમને હા પાડવી યોગ્ય ન હતી.
અફઘાનિસ્તાન ટી-૨૦ લીગની શરૂઆત ગયા વર્ષથી થઇ હતી જેનું આયોજન શારજાહમાં થયું હતું. હવે આ વર્ષે આ લીગ ભારતમાં રમાય તેમ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ઇચ્છતું હતું પરંતુ ભારતમાં આ ફોરમેટની આઈપીએલ પહેલાથી જ રમતી હોવાથી બીસીસીઆઈ દ્વારા આના માટે ના કહી હતી.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના ઓફિશિયલ્સે બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી અને જનરલ મેનેજર સબા કરીમને આ અંગે વાત કરી હતી. એસીબીના સીઈઓ અસદુલ્લાહ ખાને તે ઉપરાંત દહેરાદુન અને ગ્રેટર નોઈડા સિવાય ત્રીજું ગ્રાઉન્ડ પણ પ્રેક્ટિસ માટે માગ્યું છે. બીસીસીઆઈને તેમને વધુ એક ગ્રાઉન્ડ આપવામાં કોઈ વાંધો નથી અને તેમને લખનૌનું ગ્રાઉન્ડ આપવામાં આવશે તેવું જણાય છે.