જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા ત્રાસવાદીઓની સામે મોટા પાયે ઓપરેશન હાથ ધરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા બીજી જુલાઇના દિવસથી શરૂ કરવામાં આવ્યા બાદ ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનાર છે. વાર્ષિક અમરનાથ યાત્રા દરમિયાન કોઇ પણ અનિચ્છનીય બનાવોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. હાલના ત્રાસવાદી હુમલાઓને ધ્યાનમાં લઇને તંત્ર કોઇ તક લેવા તૈયાર નથી. દર વર્ષે અમરનાથ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. કેન્દ્રમાં મોદી સરકાર સતત બીજી અવદિ માટે આવી ગયા બાદ હવે આને લઇને તૈયારી ચાલી રહી છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યના ભવિષ્યને લઇને કેટલાક મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. આતંકવાદીઓની સામે ઓપરેશન વધુ તીવ્ર કરવામાં આવશે અને સ્થાનિક કટ્ટરપંથીઓ તથા પથ્થરબાજો સામે જોરદાર કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે.
અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા ત્રાસવાદીઓ સામે કેટલાક મોટા ઓપરેશન હાથ ધરવામાં આવનાર છે. આના માટે સેનાની રાષ્ટ્રીય રાયફલ અને જમ્મુ કાશ્મીર પોલીસ દક્ષિણ કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં મોટાપાયે ઓપરેશન હાથ ધરી શકે છે. આવનાર દિવસોમાં પેરા સ્પેશિયલ ફોર્સની સાથે નવા નામ સાથે અન્ય ઓપરેશન પણ શરૂ થઇ શકે છે. દક્ષિણ કાશ્મીરમાં પથ્થરબાજો સામે પણ આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો ૨૦૧૬ની હિંસા દરમિયાન કાશ્મીરમાં સરકારના ગાળા દરમિયાન નવ હજારથી વધુ પથ્થરબાજો ઉપર કેસ થયા હતા. આ પૈકી પથ્થરબાજોમાં એક મોટી સંખ્યા એવા યુવકોની હતી જેમને દક્ષિણ કાશ્મીરમાં પકડી પાડવામાં આવ્યા હતા. રાજ્યની રણનીતિને જાણકાર લોકોનું કહેવું છે કે, મોદીએ આના માટે સુચના આપી છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી અમિત શાહને મળ્યા બાદ તેમની રણનિતી પર જાણકાર લોકોની નજર છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા વેળા હંમેશા આતંકવાદી હુમલાનો ખતરો રહે છે. આ વખતે હુમલાનો ખતરો વધારે છે. કારણ કે, પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો ખુબ જ તંગ બનેલા છે. સાથે સાથે પુલવામા હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહીરુપે પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો ઉપર હવાઈ હુમલા કર્યા હતા. ત્યારબાદથી પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ મારફતે હુમલા કરાવવાના અનેક પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે. સુરક્ષા દળોને ટાર્ગેટ કરાયા છે.