મોદી સરકારે શરૂ કરેલ શાળા પ્રવેશોત્સવ રદ કરાતા ચર્ચાઓ

1178

ગુજરાતમાં હાલ શિક્ષણને લઈ વિવિધ સમસ્યાઓ વકરી રહી છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ૧૬ વર્ષ બાદ ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ રદ કરવાની જાહેરાત કરી હતી. આમ રૂપાણી સરકારે વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ ચાલુ વર્ષ પુરતો રદ કરી દેતાં ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા અને ગણગણાટ શરૂ થયા છે. આ અગાઉ ગત તા.૧૩, ૧૪ અને ૧૫ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ વાયુ સાયકલોનને કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. તે સમયે શાળા પ્રવેશોત્સવ બાદમાં યોજવામાં આવશે એવો નિર્ણય લીધો હતો. જો કે, હવે બજેટ સત્રને પગલે રાજ્ય સરકારનું વહીવટીતંત્ર બજેટની તૈયારીમાં લાગી ગયું હોવાથી શાળા પ્રવેશોત્સવ આ વર્ષ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો શિક્ષણમંત્રીએ સ્વીકાર કર્યો હતો. આ પહેલા તા.૯ જૂનના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહાત્મા મંદિર ખાતે ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓ ૪૨થી ઘટીને ૩૫ થઈ ગઈ છે જ્યારે ૧૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં લગભગ ૯૦ ટકાનો વધારો થઈ ૨૬થી વધીને ૪૯ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ પાછળ ૧.૧૩ લાખ કરોડનો ખર્ચ કર્યો છે.રાજ્યમાં હાલની સ્થિતિએ ૧.૪૨ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. રાજયમાં શિક્ષણની કથળતી સ્થિતિને લઇ સરકાર એકબાજુ તમામ પ્રયાસો કરી રહી હોવાના દાવા કરી રહી છે તો બીજીબાજુ, વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારના દાવા ખોખલા અને પોકળ હોવાના પ્રહારો કરી વાસ્તવિક સ્થિતિ કંઇક અલગ જ હોવાનું જણાવાયું છે.

Previous articleદર્શન હોટલના માલિક અને મેનેજરની કરાયેલ ધરપકડ
Next articleર૧ જૂને ‘યોગ ફોર હાર્ટ કેર’ની થીમ સાથે જનભાગીદારીથી ઉજવણી થશે