સેંસેક્સ ૪૮૯ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

424

શેરબજારમાં આજે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સમાં જોરદાર ઉછાળો થતાં કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટમાં કાપ મુકવાના સંકેત આપવામાં આવ્યા બાદ મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં તેજી રહી હતી. બેંકિંગ અને ઓટો મોબાઇલ કંપનીઓના શેરના શાનદાર પ્રદર્શનના લીધે બીએસઈના ૩૦ કંપનીઓના શેર આધારિત સેંસેક્સ ૪૮૯ પોઇન્ટ ઉછળીને ૩૯૬૦૨ની સપાટીએ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજના ૫૦ કંપનીઓના શેર પર આધારિત નિફ્ટી ૧૪૦  પોઇન્ટની તેજી સાથે ૧૧૮૩૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. દિવસભરના કારોબારમાં સેંસેક્સ૩૯૬૩૯ની ઉપરની અને ૩૮૯૩૩ની નીચી સપાટીએ સ્પર્શ કર્યા બાદ કારોબારના અંતે ૩૯૬૦૨ની સપાટીએ રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૧૧૮૪૩ની ઉંચી સપાટી અને ૧૧૬૩૫ની નીચી સપાટીએ રહ્યા બાદ અંતે તેની સપાટી ૧૧૮૩૧ રહી હતી. બીએસઈના ૨૬ કંપનીઓના શેરમાં તેજી અને ચાર કંપનીઓના શેરમાં મંદી રહી હતી. આવી જ રીતે એનએસઈમાં ૪૨ કંપનીઓના શેરમાં લેવાલી જામી હતી. સાત કંપનીઓના શેરમાં વેચવાલી અને એક કંપનીના શેરમાં કારોબાર થયો ન હતો. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બુધવારના દિવસે રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો ન હતો અને અર્થવ્યવસ્થાને વિકાસના માર્ગ ઉપર આગળ વધારવા તથા અર્થવ્યવસ્થામાં સારી સ્થિતિ વચ્ચે તેજીનો સંકેત આપવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં જ મુખ્ય વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપવામાં આવ્યા છે. આજે કારોબાર દરમિયાન જેટ એરવેઝના શેરમાં ૧૨૨ ટકાનો સુધારો થયો હતો. આ શેર ૭૩.૫૫ની સપાટીએ બંધ રહ્યો હતો.

ભારતીય સ્ટેટ બેંકના નેતૃત્વમાં બેંકોના ગ્રુપે જેટ એરવેઝના મામલામાં આજે કહ્યું હતું કે, આઈબીસી હેઠળ તેનો નિકાલ લાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કારોબાર દરમિયાન જે શેરમાં તેજી રહી હતી તેમાં યશ બેંકના શેરમાં ૧૦.૯૪ ટકા, સન ફાર્મામાં ૪.૦૧ ટકા, ઇન્ડસઇન્ડ બેંકમાં ૩.૮૦ ટકા, એલએન્ડટીમાં ૩.૩૬ ટકા જેટલો સુધારો થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજમાં ઇન્ડિયા બુલ્સ હાઉસિંગના શેરમાં ૧૧.૪૩ ટકાનો ઉછાળો રહ્યો હતો. સનફાર્મામાં ૩.૬૮ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. આજે કારોબાર દરમિયાન જે શેરમાં ઘટાડો રહ્યો હતો તેમાં હિન્દુસ્તાન લીવરના શેરમાં ૦.૨૬ ટકા, એચડીએફસી બેંકમાં ૦.૧૬ ટકા, આઈટીસીમાં ૦.૦૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં યશ બેંકના શેરમાં ઇન્ટ્રાડે દરમિયાન ઘટાડો રહ્યો હતો પરંતુ અંતે તેમાં ૧૧ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. આજે શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ભારે ખુશખુશાલ દેખાયા હતા. શેરબજારમાં અન્ય પરિબળોની અસર થઇ રહી છે તેમાં મોનસુનની સ્થિતિને લઇને પણ આશા જાગી છે.દેશના દક્ષિણી ભાગોમાં વરસાદની એન્ટ્રી થઇ રહી છે.

Previous articleદુનિયાભરમાં ૬.૫૬ કરોડ નાગરિક વિસ્થાપિત થયા છે
Next articleમોટોરોલા વન વિઝનઃ ઈનોવેશન અને એન્ડ્રોઈડ વનની ગૂડનેસનો અનુભવ કરો