અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલ મોની હોટલ પાસે એક ગલીમાં ભેદી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં બે મજૂરોના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે બોમ્બ સ્કોડ અને એફએસએલ, એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈસનપુર વિસ્તારમાં મોની હોટલની પાસે સહયોગ એસ્ટેસની બાજુમાં એક ગલી આવેલી છે. ખુલ્લા મેદાન પાસે આવેલા એક મકાનમાં મજૂરો ખોદકામ કરી રહ્યા હતા. મજૂરો આ મકાનનો કાટમાળ હટાવવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે જમીનમાં ત્રિકમનો ઘા વાગતા અચાનક બ્લાસ્ટ થયો હતો. જેને કારણે કામ કરી રહેલા બે મજૂરો ગંભીર રીતે દાઝ્યા હતા. આ બંને મજૂરોના મોત નિપજ્યા હતા. આ બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આજુબાજુના રહીશોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તેઓ પોતાના ઘરમાંથી બહાર દોડીને આવ્યા હતા.
આ બનાવને પગલે એફએસએલ એસઓજી, બોમ્બ સ્કોડ સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને બ્લાસ્ટ શા કારણે થયો એ જાણવા તપાસ કરી રહ્યો છે. તો બીજી તરફ, કેમિકેલની ટાંકી હોવાની શક્યતા કેટલાક લોકો વ્યક્ત કરી રહ્યાં છે.