આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે, આદિજાતિ વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી વિકાસ કામો પહોંચે તે અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. આ વિસ્તારોમાં પીવાનું પાણી, જળસંચયના કામો, સિંચાઇ અને માર્ગ-સુવિધાના કામોને ટોચ અગ્રતા આપી સત્વરે પૂર્ણ કરાશે.
આજે ગાંધીનગર ખાતે રાજ્ય આદિજાતિ મંત્રી રમણલાલ પાટકર સહિત આદિજાતિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલ ગુજરાત આદિજાતિ સલાહકાર પરિષદની સ્થાયી સમિતિની બેઠકને સંબોધતા મંત્રી વસાવાએ ઉમેર્યું કે, ટ્રાયબલ વિસ્તારોમાં શિક્ષણની સુવિધાનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સંતરામપુર તાલુકો ૯૦ ટકાથી વધુ આદિવાસી વસતી ધરાવે છે, ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે સંતરામપુર તાલુકામાં નવી સાયન્સ કોલેજ શરૂ કરવાનું આયોજન છે.
ઉપરાંત દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં યાતાયાતની સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને ઝડપી પરિવહન સેવાઓ મળતી થાય તે માટે મીની બસોની સુવિધા પણ ઉપલબ્ધ બનાવાશે. મંત્રી વસાવાએ કહ્યું કે, સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદિજાતિ વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી હાથ ધરાય અને સત્વરે પૂર્ણ થાય તે માટે સતત માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે આ વિસ્તારના કામોને ટોચ અગ્રતા આપી સમયસર પૂર્ણ કરવા ઉપસ્થિત અધિકારીઓને તેમણે સૂચનાઓ આપી હતી. આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે આદિજાતિ વિસ્તારના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે આદિજાતિ વિભાગ હસ્તકની કચેરીઓમાં કોન્ટ્રાક્ટ પર નોકરીઓ આપવામાં આવે ત્યારે આદિજાતિ યુવાનોને ટોચ અગ્રતા આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, આદિજાતિ વિસ્તારોમાં પેસા એકટ હઠળ ખાણ ખનીજ વિભાગ દ્વારા થતી હરાજીમાં પ્રથમ વખત આદિજાતિ અરજદારોને લાભ આપવો જોઇએ. મંત્રી દ્વારા આ પ્રસંગે આદિજાતિ વિભાગના હાથ ધરાયેલ તમામ કામોની સમીક્ષા કરીને સત્વરે પૂર્ણ કરવા તમામ અધિકારીઓને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંઘ, આદિજાતિ સચિવ પી.સ્વરૂપ, આદિજાતિ કમિશનર રનજીથકુમાર જે. સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી વિચાર વિમર્શ કર્યો હતો.