કલોલ તાલુકાનું છત્રાલ ગામ આજકાલ ભારે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં કોમી અથડામણને લગતા બે બનાવો બનતા ગામમાં તંગ દિલીનો માહોલ છે. પોલીસ બંન્ને પક્ષોની ફરિયાદો લઇ તપાસ ચલાવી રહી છે. ત્યારે છત્રાલ ચોકીમાં પીએસઆઇ વાઘેલા તપાસના નામે ગામના છોકરાઓને પોલીસ કાર્યવાહીનો ડર બતાવી ધમકાવતા હોવાની સાથે મહિલાઓ સામે પણ ગંદી ભાષાનો પ્રયોગ કરી રહ્યાના આક્ષેપ સાથે ગામમાં રોષ પ્રવર્તિ રહ્યો છે.
ખાખીનો ડર બતાવી બેફામ બનેલા પીએસઆઇ સામે શુક્રવારે છત્રાલની મહિલાઓ રણચંડી બની ગઇ હતી. ૨૦૦ થી વધુ મહિલાઓ તાલુકા પોલીસ મથકે દોડી આવી હતી અને પોલીસ મથકનો ઘેરાવ કરી પીએસઆઇના નામના છાજીયા લીધા હતા. આ મુદ્દે ઇન્સપેક્ટરને ગેરવર્તનની ફરિયાદ કરીને પગલા ભરવાની માંગણી કરી હતી. આ બનાવમાં છત્રાલના વિદ્યાર્થીઓએ પણ જિલ્લા પોલીસ વડાને પીએસઆઇના ગેરવર્તનની ફરિયાદ કરી હતી. તેમજ પીએસઆઇ વિદ્યાર્થીઓને ફોનમાં ધમકાવતા હોય તેવી ઓડીયો ક્લીપ પુરાવારૂપે એસપી ને આપી હતી.