બરવાળાના ટીંબલા ગામની શાળામાં ધો.૬ થી ૮ બંધ કરાતા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવ્યું

660

બરવાળા તાલુકાના બેલા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ એકાએક બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તંત્ર પ્રત્યે ભારે રોષ વ્યાપી ગયો છે જેના કારણે ગ્રામજનો દ્વારા શાળાના ધોરણ ચાલુ રાખવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અને શાળાને મર્જ કરવામાં આવશે તો ઉપવાસ અંદોલન સાથે તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીંબલા ગામની આશરે ૩૦૦ થી વધુ વસ્તી ધરાવતું ગામ છે આ ગામના બાળકોના અભ્યાસ માટે સરકારી પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના બાળકોને અભ્યાસ કરાવવામાં આવતો હતો પરંતુ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તા.૧૭/૦૬/૨૦૧૯ ના રોજ કાર્યાલય આદેશ કરી ટીંબલા પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બેલા પ્રાથમિક શાળામાં મર્જ કરી બેલા પ્રાથમિક શાળામાં જુન-૧૯ થી પ્રવેશ આપવા માટે કાર્યાલય આદેશ કરી જણાવતા તા.૨૧/૦૬/૨૦૧૯ ના રોજ ટીંબલા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓના લીવીંગ સર્ટીફીકેટ લઇ જવા જણાવતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં તંત્ર પ્રત્યે ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.

આ અંગે ટીંબલા ગામના ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તા.૨૧/૦૬/૨૦૧૯ ના રોજ સવારના ૧૧ઃ૩૦ કલાકે શાળાને મર્જ નહિ કરવા બાબતે રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ બેલા ગામની પ્રાથમિક શાળામાં મર્જ કરવાથી ટીંબલા ગામના વિદ્યાર્થીઓને બેલા ગામે ૩ થી ૪ કી.મી જેટલું દુર અભ્યાસ અર્થે જવું પડે તેમ છે જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડશે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

ટીંબલા પ્રાથમિક શાળામાં ધો.૬ થી ૮ બંધ કરી બેલા પ્રાથમિક શાળામાં મર્જ નહિ કરવા બાબતે ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળા ખાતે ઉગ્ર રોષ વ્યક્ત કરી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામજનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શાળા મર્જ કરવામાં આદેશ કેન્સલ નહિ કરવામાં આવે તો તા.૨૨-૦૬-૨૦૧૯ ના રોજ ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી તમામ બાળકોને શિક્ષણકાર્યથી અળગા રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

શાળાને મર્જ કરાશે તો ઉપવાસ આંદોલન કરી તાળાબંધી કરવામાં આવશે

અમારા ગામની શાળા બંધ કરવાના સમાચાર મળતા અમો ગ્રામજનો દ્વારા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરેલ છે શાળા બંધ કરવાથી વિદ્યાર્થીઓને ૩ થી ૪ કી.મી.દુર બેલા ગામ ખાતે અભ્યાસ માટે જવાથી હાલાકીનો સામનો કરવો પડશે અમારા ગામની શાળામાં પછાતવર્ગના બાળકો અભ્યાસ કરે છે જો આ બાબતે અધિકારીઓ દ્વારા નિર્ણય નહિ લેવાય તો શાળાને તાળાબંધી કરી ઉપવાસ અંદોલન કરવામાં આવશે

– હિંમતભાઈ ભોરણીયા(ગ્રામજન)

નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે

ટીંબલા પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા ઓછી હોવાના કારણે સરકારના નિયમોનુસાર શાળાને મર્જ કરવામાં આવી છે.જે અંગેનો આદેશ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવ્યો છે.

– કલ્પેશભાઈ મોરી(પ્રા.શિ.)

Previous articleવલ્લભીપુર ખાતે કૃષિ મહોત્સવના આયોજનમાં બ્રહ્માકુમારી કેન્દ્ર દ્વારા ખેતી વિશે માર્ગદર્શન
Next articleમુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે આજે ભાવનગરથી રાજ્યનાં ૨૧ બસ સ્ટેશનનાં લોકાર્પણ કરાશે