શહેરભરના ૪૦૦૦થી વધુ ધાર્મિક સ્થાનો પાસેથી ૧૯ વર્ષ પછી મ્યુનિ. સફાઈવેરો વસૂલશે. ઓક્ટોબર ૨૦૧૮માં મ્યુનિ.એ કરેલા ઠરાવ મુજબ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ સહિતના ધર્મ સ્થાનોને રહેણાક કેટેગરીમાં સમાવી લઈ પ્રતિદિન રૂ.૧ લેખે વાર્ષિક ૩૬૫ સફાઈવેરો વસૂલવામાં આવશે. સોલિડ વેસ્ટ રૂલ્સ ૨૦૧૬ હેઠળ ડોર ટુ ડોર કલેક્શન, ટ્રાન્સપોર્ટ અને ડિસ્પોઝલની પ્રક્રિયા માટે શહેરની તમામ રહેણાંક તથા બિનરહેણાક એકમો પાસેથી ઓક્ટોબર ૨૦૧૮થી આ ચાર્જ વસૂલવામાં આવે છે. શહેરમાં માત્ર મોટા ધાર્મિક સ્થાનોને ગણીએ તો પણ ૪૦૦૦ જેટલા ધાર્મિક સ્થાનો છે. જેનો વહીવટ દાનની રકમમાંથી થાય છે. આવી સંસ્થાઓ ચેરિટી કમિશનર હેઠળ નોંધાયેલી હોવાથી ત્યાં તેમની આવકની વિગતો પણ રજૂ થતી હોય છે.
મ્યુનિ. દ્વારા શહેરના તમામ ધાર્મિક સ્થાનોને ટેક્સ ચૂકવવામાંથી ૨૦૦૦ના વર્ષમાં મુક્તિ અપાઈ હતી. કમિશનર પી.પનીરવેલે ૨૦૦૩-૦૪માં ધાર્મિક સ્થળો પાસેથી સુઅરેઝ સહિતની કામગીરી માટે ટેક્સ વસૂલ્યો હતો. હવેથી મંદિર-મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ તમામ પાસેથી કચરાના નિકાલનો ટેક્સ વસૂલાશે. જે બિલ સાથે ટેક્સની રકમ દર્શાવી અપાશે. મ્યુનિ.ના ઠરાવ મુજબ રહેણાક માટે પ્રતિદિન રૂ.૧, બિનરહેણાકમાં ૫૦ ચોમી કરતાં ઓછા માટે રૂ.૧ અને ૫૦ ચોમી કરતાં વધુ રૂ. ૨ સફાઈકર નક્કી કરાયો છે.