પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે સરકારના હાથ બહાર જઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.
શનિવારે પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં પોલીસ ફાયરિંગમાં એક સ્કૂલના વિદ્યાર્થી તેમજ બે ભાજપ કાર્યકરો ઘાયલ થયા છે. ભાજપને ચોંકાવનારો આરોપ મુક્યો છે કે, આ ત્રણે વ્યક્તિઓએ જય શ્રી રામનો નારો લગાવ્યો હતો અને તેના કારણે પોલીસે તેમના પર ફાયરિંગ કર્યુ હતુ. જે લોકો ઘાયલ થયા છે તેમાં તપસ બૌરી, તુલા પ્રસાદ ખાન અને સૌમન બોરીનો સમાવેશ થાય છે. સોમન તો ૧૪ વર્ષનો છે અને આઠમા ધોરણનો વિદ્યાર્થી છે. મળતી વિગતો પ્રમાણે ટીએમસી સાંસદની બાંકુરામાં જાહેર સભા ચાલી રહી હતી અને ત્યાં પહોંચેલા ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવતા તનાવ ફેલાયો હતો. એ પછી ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી.
ભાજપના સાંસદ સુભાષ સરકારનુ કહેવુ છે કે, એ પછી પોલીસે ભાજપના કાર્યકરો પર ફાયરિગં કર્યુ હતુ. જ્યારે પોલીસની દલીલ હતી કે ભીડને વિખેરવા માટે ગોળીબાર કરવો પડ્યો હતો.
જોકે ૧૪ વર્ષનો સોમન તો માર્કેટમાં પુસ્તકો ખરીદવા ગયો હતો અને બંને પાર્ટીઓ વચ્ચેની અથડામણમાં ફસાઈ ગયો હતો. જેમાં પોલીસની ગોળી તેની વાગી ગઈ હતી.