લાખણીના કુંડા ગામમાં સામૂહિક હત્યાકાંડમાં ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવેલા પરિવારના મોભી કરશન પટેલનું પણ આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કરશન પટેલ સહિત હત્યાકાંઠમાં પરિવારના કુલ ૫ લોકોના મોત નિપજ્યાં છે, ઘટના બાદ કરશન પટેલને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમનું આજે મોત નિપજ્યું છે. પોલીસ હત્યા પાછળ શું કારણ છે અને કોણ જવાબાદર છે તે અંગ તપાસ કરી રહી છે.
બનાસકાંઠાના લાખણી તાલુકાના કૂડા ગામે તારીખ ૨૧-૬-૧૦૧૯ને શુક્રવારે વહેલી સવારે ભરઊંઘમાં જ પત્ની, બે પુત્રો અને પુત્રી સહિત એક જ પરિવારના ચાર સભ્યોને તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઝનૂનપૂર્વક ઘા મારી હત્યા કરાયેલી લાશો અને ઘરના મોભી કરશન પટેલ નજીકમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતાં ગામ સહિત સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. પરિવારના મોભી કરશનજી પટેલને અમદાવાદ સિવિલમાં સારવાર માટે ખસેડાયેલા હતા.
સામુહિક હત્યાકાંડની ઘટનાને પગલે બોર્ડર રેન્જ આઇજી સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં એવું તારણ આપ્યું કે, ખુદ પિતાએ જ આર્થિક સંકડામણના કારણે પરિવારની હત્યા કરી પોતે ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. જોકે, ગ્રામજનો પોલીસના આવા નિવેદનથી વિફર્યા હતા અને સાચા આરોપીઓ ઝડપાય પછી જ લાશ સ્વીકારવા અડગ રહેતાં બોર્ડર રેન્જ આઈજી, શંકરભાઇ ચૌધરી, માવજીભાઇ પટેલ સહિત સમાજના આગેવાનોએ સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બીજીબાજુ, ઘરની ઓસરીની ભીંત પર ૨૧ લાખ અને ૯ જણાના કોલસાથી નામો લખેલા હોઇ ભારે રહસ્ય સર્જાયું છે.