ગઢડા(સ્વામીના) મુકામે છેલ્લા ૨૫ વર્ષથી અષાઢી બીજના રોજ પરંપરાગત રીતે યોજવામાં આવતી ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજી ની આગામી ૨૬ મી રથયાત્રાની તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા યોજવામાં આવતી ગુજરાતની ત્રીજા ક્રમની ભવ્ય રંગદર્શી રથયાત્રા માટે શહેર તથા ગ્રામ્ય વિસ્તારના
અનેક મંડળો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવેલ છે. આ રથયાત્રાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ જીનનાકા ખાતે તારીખ ૨૩ જૂનના રોજ કરવામાં આવ્યો હતો. આ કાર્યાલયનો પ્રારંભ ગોપીનાથજી દેવ મંદિરના મુખ્ય કોઠારી સ.ગુ. સ્વામી લક્ષ્મીનારાયણદાસજી (ભાવનગરવાળા) તથા આસી. કોઠારી શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સહિત સંતો ના હસ્તે
દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન અગ્રણીઓ દ્વારા ઉદબોધન કરતા રથયાત્રા સમગ્ર તાલુકાનું ગૌરવ હોવાનું અને રથયાત્રા સમિતિની વિવિધસ્ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી સતત ૨૫ વર્ષથી કરવામાં આવતી અવિરત સેવા પ્રવૃત્તિ અને ધાર્મિક આયોજનોમાં દરેક લોકોએ તન-મન-ધનથી સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે
કો.શા.ઘનશ્યામવલ્લભદાસજી તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ તથા રાજકીય આગેવાનો અને શહેર તથા તાલુકાના સહયોગી મંડળો, ટ્રેકટરમાલિકો વિગેરે સેવાભાવી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભગવાનના રથને હાથે દોરડા વડે ખેંચી સમગ્ર શહેરમાં યોજાતી ભવ્ય રંગદર્શી રથયાત્રા માટે ઉત્સાહનું વાતાવરણ ઉભુ થવા પામેલ છે. આગામી તા.૪-૭-૨૦૧૯ ના રોજ પરંપરાગત રૂટ ઉપર યોજાનારી આ રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે સમિતિ દ્વારા સમગ્ર શહેરમાં શુશોભન તથા વિશાળ ગેઇટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.