ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થતાની સાથે જ જર્જરીત મકાનો તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે. શહેરની ભાદેવાની શેરીમાં જર્જરીત મકાનનો હિસ્સો તૂટી પડતા મહિલા સહિત બે વ્યક્તિને ઇજા થઇ હતી. આ ઉપરાંત ભરતનગર વિસ્તારમાં પણ સ્લેબ તૂટી પડવાની ઘટના બની હતી.
ભાવનગરની ભાદેવાની શેરીમાં આવેલ મંગલની ડેલીમાં રસીકભાઇ મનસુખભાઇ વાઘેલાની માલિકીના બે માળના મકાનનો હિસ્સો તૂટી પડતા પ્રવિણાબેન મહેન્દ્રસિંહ ઝાલા તથા અન્ય એક વ્યક્તિને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના ભરતનગરનાં મારૂતિનગરમાં આવેલ બ્લોકનં.૧૫ માં અગાસીના સ્લેબનું ગાબડું પડતા નીચેના માળે આવેલ રૂમમાં રહેતા વિનોદભાઇ જાદવભાઇના મકાનની રૂમની છતનો ભાગ તૂટી પડ્યો હતો. ત્યારે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જર્જરીત મકાન મામલે મહાપાલિકા દ્વારા આસામીઓને તાકિદ કરવામાં આવી હોવા છતાં મકાન તૂટી પડવાની ઘટના બની છે. બીજી તરફ જર્જરીત વસાહતો મામલે તંત્ર દ્વારા મરામત સહિતની કાર્યવાહી કરવામાં આવે તેવી વસાહતીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.