એરપોર્ટના ઇન્ટરનેશનલ ટર્મિનલ ટી-૨ પર પેસેન્જરોને મૂકવા આવતા સંબંધીઓની નો-ર્પાકિંગ એરિયામાં પાર્ક કરેલી કારને સિક્યુરિટી ગાર્ડ લોક મારી રૂ.૩૦૦૦ પેનલ્ટી વસૂલ કરે છે. જો કોઈ રકઝક કરે તો તેની પાસેથી રસીદ વગર સિક્યુરિટી ગાર્ડ રૂ.૧૦૦૦ લઈ લોક ખોલી તેને જવા દે છે.
આમ રસીદ વગર વસૂલ કરાતા રૂપિયા સીધા ગાર્ડના ખિસ્સામાં જાય છે અને એરપોર્ટ ઓથોરિટીને નુકસાન ભોગવવું પડે છે. આ અંગે ઓથોરિટીને ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સોમવારે રાતે લગભગ ૧ વાગે વિક્કી શાહ અને તેમના પરિવારજનો વાયા દુબઈ થઈ કેનેડા જતાં સંબંધીને ટર્મિનલ ટી-૨ પર મૂકવા આવ્યા હતા.
સંબંધીઓ ટર્મિનલની સામે રોડ પર કાર પાર્ક કરી ટ્રોલી લેવા ગયા હતા. તેઓ ટ્રોલી લઈને પરત આવ્યા ત્યાં સુધીમાં સિક્યુરિટી ગાર્ડે તેમની કાર તેમજ તેની બાજુમાં ઊભી અન્ય એક કારને લોક મારી દીધું હતું. તેથી તેમણે પૂછપરછ કરતા કાર નો-ર્પાકિંગ એરિયામાં પાર્ક કરી હોવાથી લોક મારવામાં આવ્યું હોવાનું અને લોક ખોલવા માટે અધિકારીને મળવા ગાર્ડે જણાવ્યું હતું.
જેના પગલે સંબંધીઓ પેસેન્જરને ટર્મિનલમાં મૂકી પરત આવ્યા હતા અને જો ૩૦૦૦ રૂપિયા નિયમ મુજબ હોય તો તે ચૂકવવા જણાવ્યું હતું. આ સમય ત્યાં હાજર અધિકારીએ તોછડાઈ ભર્યું વર્તન કરી તેમની સાથે વાત કર્યા વગર થોડીવાર રાહ જોવા કહ્યું હતું. થોડા સમય પછી બન્ને કાર માલિકો ફરી અધિકારીને મળ્યા ત્યારે તેમણે ૩૦૦૦ રૂપિયા પેનલ્ટી લેવાના બદલે એક એક હજાર રૂપિયા આપી દેવા જણાવતા તેઓએ રૂપિયા ચૂકવી દીધા હતા. જેની પહોંચ માંગતા અધિકારીએ તે આપવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ લોક ખોલવા માટે પણ તેમને રાહ જોવી પડી હતી. વહેલી સવારે લગભગ ૩.૩૦ વાગે આવેલા સિક્યુરિટી ગાર્ડે લોક ખોલતા તેઓ ઘરે આવી શક્યા હતા.