મહાપાલિકા વિસ્તારમાં સઘન વૃક્ષારોપણ કરવા માટે તંત્ર દ્વારા આ વર્ષે ગતવર્ષની હકારાત્મક પહેલને દોહરાવવામાં આવનાર છે. તેમાં પોતાના ઘર આંગણામાં કે કોમન પ્લોટમાં વૃક્ષ વાવવા માટે નાગરિકે માત્ર એક ફોન કરવાનો રહેશે. મહાપાલિકાના માણસો સ્થળ પર આવીને વૃક્ષનો રોપ આપી જશે તેટલું જ નહીં, પરંતુ જો જરૂર હોય તો નાગરિક બતાવે તે સ્થળે ખાડો ખોદીને તેમાં વૃક્ષનો રોપ વાવી જશે. આ વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે અને તેના માટે ૦૭૯ ૨૩૨ ૨૨૭૧૮ ફોન નંબર જાહેર કરી દેવાયો છે.
સ્માર્ટ સિટી સંબંધિ દરખાસ્તમાં પણ પાટનગરમાં સઘન વનીકરણનો સમાવેશ કરાયો છે અને હવે શહેરમાં વન વિભાગ દ્વારા કરાઇ રહેલા વૃક્ષારોપણ ઉપરાંત મહાપાલિકા દ્વારા અલગ રીતે વૃક્ષોની સંખ્યા વધારવાનું અભિયાન ચલાવાશે. તેમાં રહેવાસીઓના ઘર પર જઇને મહાપાલિકા પાસે ઉપલબ્ધ પૈકીના વૃક્ષના રોપા વાવી આપશે.
મહાપાલિકા વિસ્તારમાં હાલ માથાદિઠ વૃક્ષોની સંખ્યા ૪.૨૫ છે. મતલબ કે અહીં ૮.૫૦ લાખ વૃક્ષો છે. હવે માથાદિઠ વૃક્ષની સંખ્યા ૫ પર લઇ જવા માટે મથામણ શરૂ કરાઇ છે. તેમાં મનપા દ્વારા ચોમાસા દરમિયાન ૫૦ હજાર વૃક્ષ વાવવાનો લક્ષાંક રખાયો છે. વૃક્ષોમાં આસોપાલવ, ગુલમહોર, કાસિદ, ગરમાળો, પીન્કેશીયા, મીલેટીયા, પેલ્ટોફાર્મ, બોરસલ્લી, જાંબુ, લીમડો, કરંજ, ટબુબીયા અને સેવનના વૃક્ષના છોડ મહાપાલિકા પાસે ઉપલબ્ધ છે.