કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીર પોલીસ ઓફિસર અર્શદ અહેમદ ખાનના આવાસ ઉપર પહોંચ્યા હતા. અર્શદ અહેમદ ખાનનું ૧૨મી જૂનના દિવસે કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયા બાદ મૃત્યુ થયું હતું. અનંતનાગ જિલ્લામાં આ હુમલો કરવામાં આવ્યો હતો. અમિત શાહે અર્શદ અહેમદ ખાનની ભારે પ્રશંસા કરતા કહ્યું હતું કે, અર્શદ અહેમદ ખાન ઉપર દેશના લોકોને ગર્વ છે. અમિત શાહે ખાતરી આપી હતી કે, સરકાર તમામ બાબતોમાં ધ્યાન આપશે અને પરિવારને કોઇ અન્યાય ન થાય તેની ખાતરી કરશે. અમિત શાહની સાથે અન્ય અધિકારીઓ પણ હતા. આ તમામ સીટી સિવિલ લાઈન વિસ્તારમાં ખાનના બાલગાર્ડન આવાસ ઉપર પહોંચ્યા હતા. તેમના માતા-પિતા મુસ્તાક અહેમદ ખાન, મહેબુબા બેગમ, પત્નિ, ભાઈ અને બાળકોને મળ્યા હતા. ગૃહમંત્રી તેમના આવાસ ઉપર પહોંચ્યા ત્યારે પરિવારના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ખાતરી આપી હતી કે, સરકાર દેશના સાહસી પુત્રના પરિવારની પૂર્ણ કાળજી લેશે. શાહે પોલીસ ઓફિસરના બલિદાનની રુપરેખા રજૂ કરે તે પ્રકારનો એક પત્ર પરિવારના સભ્યોને સુપ્રત કર્યો હતો.
૧૮ મહિનાના દામિનના હાથમાં આ પત્ર સોંપવામાં આવ્યો હતો. પોતાના ટિ્વટર હેન્ડલ પર શાહે કહ્યં હતું કે, અમારા દેશની સુરક્ષા માટે ખાનનું બલિદાન યાદ રાખવામાં આવશે. ખાને ઘણા બધા લોકોના જીવને બચાવી લીધા છે. સમગ્ર રાષ્ટ્ર તેમના પર ગર્વ કરે છે. તમામ લોકો જાણે છે કે, ૧૨મી જૂનના દિવસે ત્રાસવાદી હુમલામાં ૩૭ વર્ષીય ખાન ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને ખાસ સારવાર એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી લાવવામાં આવ્યા હતા. જો કે, ૧૬મી જૂનના દિવસે એમ્સમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના પાંચ જવાન શહીદ થયા હતા. અર્ધલશ્કરી દળોની પેટ્રોલ ટુકડીને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. જૈશે મોહમ્મદના ત્રાસવાદી દ્વારા આ હુમલો કરાયો હતો. બનાવ બાદ અનંતનાગમાં સદર એસએચઓ રહેલા ખાન તરત પહોંચ્યા હતા. જ્યારે તેઓ તેમના બુલેટપ્રુફ વાહનમાંથી બહાર નિકળી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં તેમને ઇજા થઇ હતી. આવી સ્થિતિમાં પણ અધિકારીએ આતંકવાદીઓ ઉપર ગોળીબાર જારી રાખ્યો હતો. ખાન ૨૦૦૨માં જમ્મુ કાશ્મીર પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા હતા અને જુદા જુદા હોદ્દા પર રહ્યા હતા. બુરહાન વાનીના મોત બાદ ૨૦૧૬ના આંદોલન દરમિયાન ખાને ચાવીરુપ ભૂમિકા અદા કરી હતી.