ભારતીય ટીમે વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી મોટી જીત પ્રાપ્ત કર્યા બાદ ટીમ ઈન્ડિયા્નો કેપ્ટન વિરાટ કોહલી ટીમના સૌથી સીનિયર પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરતા થાકતો નથી.
કોહલીએ ધોનીને ક્રિકેટની રમતનો દિગજ્જ (લેજેન્ડ) ગણાવ્યો છે.
કોહલીના મતે ધોનીની ક્રિકેટ અંગેની સમજણ અને તેના અનુભવની મદદથી ટીમ ઈન્ડિયા હાલ શ્રેષ્ઠ લયમાં છે.
વેસ્ટઈન્ડિઝ સામે સૌથી વધુ ૧૪૩ રનથી મેચમાં વિજય બાદ કોહલીએ જણાવ્યું કે, ‘ધોની સારી રીતે જાણતો હતો કે તેણે મેચની વચ્ચે શું કરવાનું છે. ક્યારેક તેનો દિવસ ખરાબ હોઈ શકે છે માટે લોકો તેની વિરુદ્ધ બોલવા લાગે છે. અમે હંમેશા ધોનીની સાથે છીએ. તેની સમજથી અમે ઘણી મેચ જીત્યા છીએ. ધોની એવો ખેલાડી છે કે જે રમતને સૌથી સારી રીતે જાણે છે. જ્યારે ટીમને ૧૫-૨૦ રન વધારાના બનાવવા હોય તો ધોનીને ખ્યાલ હોય છે કે આ રન કેવી રીતે બનાવવા. ધોનીના અનુભવને આધારે ૧૦માંથી ૮ વખત મેચ જીતવામાં અમને સફળતા મળે છે.’
વિરાટે વધુમાં જણાવ્યું કે, ભારતીય ટીમ પાસે એવા અનેક ખેલાડીઓ છે જે પોતાની સ્વાભાવિક રમત દાખવે છે અને યોજના મુજબ જ રમે છે. ધોની પાસે ક્રિકેડની ઊંડી સમજણ છે. તે હંમેશા પ્રતિક્રિયા આપે છે. કેટલો સ્કોર બનાવવો અને ક્યારે કેવી રીતે બોલિંગ અને ફિલ્ડિંગમાં બદલાવ કરવો તે પણ જણાવે છે. ધોની દિગજ્જ ખેલાડી છે.