સેંસેક્સમાં ૧૯૨ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો થયો

363

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. શરૂઆતી કારોબારમાં સ્થિતિમાં સુધારો દેખાયા બાદ આશરે મંદી રહી હતી. બેંચમાર્ક એસએન્ડપી બીએસઈ સેંસેક્સ ૧૯૨ પોઇન્ટ અથવા તો ૦.૪૮ ટકા ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ કારોબારના અંતે ૩૯૩૯૫ની સપાટીએ રહ્યો હતો. આજે કારોબાર દરમિયાન યશ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, તાતા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને ઓએનજીસીના શેરમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આવી જ રીતે બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં ૫૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૭૮૯ રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ વેચવાલીની તરફેણમાં રહી હતી. આજે કારોબાર દરમિયાન ૯૧૯ શેરમાં મંદી અને ૮૨૨ શેરમાં તેજી જામી હતી. સાપ્તાહિક આધાર પર ઇન્ડેક્સમાં તેજી રહી હતી. સેંસેક્સમાં ૦.૫ ટકાનો ઉછાળો રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૦.૬ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં માત્ર ત્રણ ઇન્ડેક્સ તેજીમાં રહ્યા હતા જેમાં નિફ્ટી મેટલમાં ૧.૧ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં ૦.૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૪૫ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૦૮ રહી હતી જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૦ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૨૩૯ રહી હતી. કોક્સ એન્ડ કિંગના શેરમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો આજે સતત ત્રીજા દિવસે રહ્યો હતો. લોવર સર્કિટની સ્થિતિ જોવા મળી હતી. આવી જ રીતે સદભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના શેરમાં ૧૮ ટકાનો ઘટાડો આજે નોંધાયો હતો. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડના શેરમાં ૧૧ ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારની સાથે સાથે સ્થાનિક પરિબળો તેમજ વૈશ્વિક પરિબળોની સીધી અસર જોવા મળી રહી છે. એક બાજુ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ પ્રવર્તી રહી છે જેના કારણે વૈશ્વિક દેશો ઉપર તેની અસર રહી છે. બીજી બાજુ ઇરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી સતત વધી રહી છે જેથી સંકટના વાદળો ઘેરાયેલા છે. આવી સ્થિતિમાં વિશ્વના બજારો ઉપર તેની નકારાત્મક અસર થઇ રહી છે. ઇરાન ઉપર અમેરિકાના પ્રતિબંધના લીધે તેની અસર નોંધાઈ ગઈ છે. ઇરાન તરફથી ક્રૂડ ઓઇલની શૂન્ય ટકા નિકાસની ખાતરી કરવાના પ્રયાસ અમેરિકા તરફથી થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત ઉપર પણ આની અસર થઇ છે. જો કે, ઇરાન લડાયક મૂડમાં છે. રશિયા જેવા દેશો પણ આમા આગળ આવ્યા છે. મધ્યસ્થી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. સેંસેક્સ આજે ૧૯૨ પોઇન્ટ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી ૧૧૮૦૦થી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. પ્રાઇવેટ બેંક, મેટલના શેરમાં અફડાતફડીનો માહોલ રહ્યો હતો. શેરબજારમાં ગઇકાલે ફ્લેટ કારોબાર રહ્યો હતો. બુધવારના દિવસે ભારે ઉથલપાથલ રહ્યા બાદ શેરબજારમાં ફ્લેટ કારોબાર રહ્યો હતો. ઉથલપાથલના સેશનમાં જૂન ફ્યુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ) સિરિઝના છેલ્લા દિવસે બેંચમાર્ક ઇન્ડેક્સમાં નજીવા ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. બેચમાર્ક બીએસઈ સેંસેક્સ માત્ર છ પોઇન્ટ રિકવર થઇને ૩૯૫૮૬ની ઉંચી સપાટીએ રહ્યો હતો. બ્રોડર નિફ્ટી ઇન્ડેક્સમાં છ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૮૪૨ નોંધાઈ હતી. બ્રોડર માર્કેટમાં ઉતારચઢાવ વચ્ચે કારોબારીઓ આશાસ્પદ સ્થિતિમાં દેખાયા હતા.

Previous articleEPFO વ્યાજદરમાં કોઇ ઘટાડો કરશે નહીં : રિપોર્ટ
Next articleપૂર્વ ધારાસભ્યોએ સરકાર પાસે પેન્શનની, વોલ્વોમાં ફ્રી મુસાફરીની માંગણી કરી