ગાંધીનગરમાં સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં થોડા સમય અગાઉ બનાવેલા નવા બસ સ્ટેન્ડમાં મુસાફરોના મનોરંજન માટે એલઇડી ફીટ કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે તબક્કાવાર દરેક બસ સ્ટેન્ડમાં આ પ્રકારે એલઇડી ફીટ કરી દેવામાં આવશે.
રાજ્યના પાટનગરને સ્માર્ટ સીટી તરીકે વિકસાવવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા પણ તબક્કાવાર વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યા છે. સમગ્ર શહેરને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના નવા બસ સ્ટેન્ડ ઉપર પણ સીસીટીવી લગાવી દેવામાં આવ્યા છે. જેથી મુસાફરોની અવર જવરને પણ જોઇ શકાય અને તેમની હિલચાલ ઉપર પણ નજર રાખી શકાય. આમ શહેરમાં થોડા સમય અગાઉ બનાવેલા નવા બસ સ્ટેન્ડમાં સીસીટીવીની સાથે સાથે એલઇડી ફીટ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ઘણા બસ સ્ટેન્ડમાં એલઇડી ફીટ કરી દેવામાં આવ્યા છે.
આગામી દિવસોમાં તબક્કા વાર તમામ નવા બસ સ્ટેન્ડમાં આ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. જેથી મુસાફરોને પણ મનોરંજન પ્રાપ્ત થઇ શકે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ આગામી દિવસોમાં શહેરના અન્ય બસ સ્ટેન્ડોને પણ સ્માર્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે સીસી ટીવી અને એલઇડીની સુવિધા તેમાં પણ ફીટ કરવામાં આવશે.