મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવારની મોડી રાતે કોંધવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થતા ૧૭ લોકોના મોત નીપજ્યાં છે જ્યારે ૨ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દીવાલ ધસી પડતાં કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે. ઘટના સ્થળ પર એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ છે અને રાહત અને બચાવ કામ ચાલી રહ્યું છે.
શનિવારની રાતે પુણેમાં ભારે વરસાદને પગલે ૬૦ ફૂટ લાંબી કમ્પાઉન્ડની દિવાસ ઘસી પડતા બાજુમાં આવેલી ઝુપડા પર પડી જેમાં સુતેલા લોકો દબાઇ ગયા. ફાયર વિભાગ અનુસાર મૃતકોમાં ૪ બાળકો પણ સામેલ છે. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર ચાલી રહીં છે.
પ્રાથમિક તપાસમાં કન્ટ્રક્શન કંપનીની ભૂલના કારણે આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૭ લોકોના મોત નીપજ્યાં છે. મૃતકોમાં મોટાભાગે બિહાર અને બંગાળના લોકો છે.
પુણેના જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે જણાવ્યું કે, ભારે વરસાદને પગલે આ દુર્ઘટના ઘટી છે તેમજ સોસાયટીના બાંધકામમાં કન્સ્ટ્રક્શન કંપનીની બેદરકારી પણ જોવા મળી છે. મૃતકોમાં પશ્ચિમ બંગાળ અને બિહારના મજૂરોનો સમાવેશ થાય છે. સરકાર પ્રભાવિતોને શક્ય મદદ કરશે.
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે પાર્કિંગ બાજુની દિવાલ ધસી પડી હતી તેમજ ત્યાં પાર્ક કરાયેલી કેટલીક કાર પણ મજૂરોના કાચા મકાનો પર પડી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઝડપથી બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શુક્રવારે ભારે વરસાદ પડતા પાંચ લોકોના મોત નીપજ્યાં હતા. મુંબઈમાં ભારે વરસાદના કારણે અનેક ફ્લાઇટો રદ કરવી પડી હતી જ્યારે રેલ્વે અને વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.
માર્ગ અને પાટા પર ઠેર ઠેર પાણી ભરાતા રેલવે પ્રશાસન તેમજ મુંબઈ મહાનગર પાલિકાના દ્વારા કરાયેલા તમામ દાવાઓ પર પાણી ફરી ગયું હતું. એટલે કે પોકળ સાબિત થયા હતા. મુંબઈગરાના જનજીવન પર માઠી અસર પડી હતી.
અત્રે જણાવવાનું કે મોડી રાતે ઘટેલી આ દુર્ઘટનામાં ચાર બાળકો સહિત ૧૫ જેટલા લોકોના મોત થયા છે. નિર્માણ સ્થળ પર કામ કરનારા મજૂરો માટે કાચા મકાનો બનાવવામાં આવ્યાં હતાં.