ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં લૂંટની ઘટનાઓ બની રહી છે ત્યારે કુડાસણમાં રહેતા યુવાનને ગોતાથી અડાલજ તરફ રીક્ષામાં બેસાડી ત્રણ શખ્સોએ માર મારીને મોબાઈલ રોકડ અને ચાંદીની વીંટી મળી ૪૦ હજારની મત્તા લૂંટી લીધી હતી. આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં યુવાને લૂંટની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેર નજીક કુડાસણ પાસે આવેલી સન સાઈન હાઈટસ-ર માં રહેતો અને ટીસીએસમાં નોકરી કરતો યુવાન અતુલ સુરેશભાઈ મહેશ્વરી ગત સોમવારે રાત્રે ગોતાથી ગાંધીનગર જવા માટે પેસેન્જર રીક્ષામાં બેઠો હતો. રીક્ષામાં અન્ય બે મુસાફરો પણ હતા. ત્યારે રીક્ષા ડ્રાઈવરે રીક્ષા અડાલજ ગામ તરફ વાળતાં યુવાનને શંકા ગઈ હતી અને તે બાબતે પુછતાં રીક્ષા ડ્રાઈવરે આગળ રોડનું કામ ચાલતું હોવાથી આ માર્ગેથી જઈ રહયા છીએ તેવું કહયું હતું. પરંતુ ગામમાં અંદરના રસ્તે રીક્ષા લઈ જતાં અજુગતું લાગ્યું હતું અને તે રીક્ષામાં કુદી પડયો હતો.
જેથી રીક્ષા ઉભી રાખીને ચાલક તેમજ અન્ય બે શખ્સોએ નીચે ઉતરી યુવાન અતુલને માર મારી તેની પાસે રહેલી ચાંદીની વીંટી, મોબાઈલ ફોન અને રોકડ મળી ૪૦૩૦૦નો મુદ્દામાલ લૂંટી લીધો હતો અને આ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તેણે અન્ય કોઈના મોબાઈલ મારફતે તેના મિત્રને જાણ કરી હતી અને ગઈકાલે આ સંદર્ભે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે.