દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ : ૩જી જુલાઇથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

565

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ બાદ હવામાન વિભાગે આગામી ૨૪ કલાક પણ ભારે વરસાદની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય થયેલી મોન્સુન સિસ્ટમને પગલે વરસાદી માહોલ રચાયા બાદ આગામી ૩જી જુલાઇ બાદ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

રાજ્યભરમાં ચોમાસું સક્રિય રીતે આગળ વધારનાર બંગાળની ખાડીનું લો પ્રેશર હજુ સક્રિય છે અને તે આવતીકાલે પૂર્ણ થયા બાદ આગામી ૪૮ કલાકમાં ડિપ્રેશનમાં પરિણમશે. હવામાન વિભાગની આગાહી મુજબ સિસ્ટમને કારણે રાજયમાં છૂટાછવાયા વિસ્તારોમાં અને ખાસ કરીને તટીય વિસ્તારોમાં આગામી તા. ૨જી સુધી મધ્યમ વરસાદ યથાવત રહેશે. જયારે ડિપ્રેશન વાયા મહારાષ્ટ્ર ગુજરાતમાં જમીની સ્તરે આગળ વધવાની સાથે ફરીથી આગામી તા. ૩ અને ૪ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે.પાવીજેતપુરમાં ચાર કલાકમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. કોઝવે પર પાણી ફરી વળતા ચાપરગોટાનો ૬ કલાક વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. ભરૂચમાં સવા ત્રણ, નેત્રંગ ત્રણ, અંકલેશ્વર-હાંસોટ બે, આમોદ, વાગરા અને વાલીયામાં એક ઈંચ વરસાદ પડયો હતો.

વડોદરામાં સતત બીજા દિવસે મેઘરાજાએ આક્રમક બેટિંગ ચાલુ રાખતાં છ કલાકના ટૂંકા ગાળામાં જ સાડા ચાર ઈંચથી પણ વધુનો ધોરધાર વરસાદ ખાબક્યો હતો. જે દરમિયાન લકડીપુલ ખાતે એક આધેડનું મોત થયું હતું. જ્યારે કારેલીબાગમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ જણાને ઈજા પહોંચી હતી.

વલસાડના તાપીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા દ્ગડ્ઢઇહ્લની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટર સી.આર. ખરસાણે જણાવ્યું હતું કે ચાલુ વરસાદે કોઝ-વેનો ઉપયોગ ન કરવો, નદીના પટમાં અચાનક પાણી આવવાની શક્યતા હોવાના કારણે નદીમાં ન જવું જોઈએ. વલસાડીની ઓરંગા, પાર અને કોલટ નદીઓ સામાન્ય સ્થિતીમાં છે.

વલસાડ પંથકમાં મોગરાવાડી, તિથલ રોડ, પરિયા પારડી રોડનો પાણી ભરાવાને કારણે લાંબા સમય સુધી સંપર્ક તૂટી ગયો હતો.વલસાડ રેલવે સ્ટેશન ઉપર પાણી ફરી વળ્યા હતા. વીતેલા ૨૪ કલાક દરમિયાન ઉમરગામમાં ૧૪૮ મિ.મી., કપરાડામાં ૧૫૫, પારડીમાં ૧૮૦, ધરમપુરમાં ૮૬, વલસાડમાં ૧૩૭ અને વાપીમાં ૭૩ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. ધરમપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. કપરાડામાં પણ નદી નાળામાં નીરની આવક થવાની સાથે પાંચ ગામનો સંપર્ક તૂટી ગયો હતો.

Previous articleગાંધીધામથી ગાંધીનગર સુધી ખેડૂત સંવેદના યાત્રા શરૂ થઇ
Next articleનવા ક્લેવર અને સુવિધાની સાથે એસટી સેવામાં રહેશે