ઉમેદવાર ડીકલેર કરવામાં કોંગ્રેસે બાજી મારીઃમિત્તુલ કોંગ્રેસનો ઉમેદવાર

626

ગાંધીનગર મહાપાલિકાના વોર્ડ નંબર ૩ની એક બેઠકની પેટા ચૂંટણીને લઇને સ્થાનિક રાજકારણમાં ગરમી આવ છે. પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલે મેયર અને કોર્પોરેટર પદ્દેથી રાજીનામુ આપ્યાના પગલે આવેલી આ સ્થિતિના પગલે બન્ને પક્ષેથી બેઠક અંકે કરવા કવાયત શરૂ કરાઇ છે. તેમાં કોંગ્રેસ દ્વારા શહેર કોંગ્રેસના મહામંત્રી મિતુલ જોષીનું નામ ઉમેદવાર તરીકે નક્કી કરી દેવાયું છે. પરંતુ ભાજપ તરફથી મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. તાજેતરમાં ચૂંટણી પંચે કરેલી પેટા ચૂંટણીની જાહેરાત મુજબ, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છઠ્ઠી જુલાઈ છે. જોકે ચૂંટણીની જાહેરાત થતાં અગાઉ જ ઉમેદવારો દ્વારા પ્રદેશ કક્ષાએ રજૂઆતો કરવાનું શરૂ કર્યું હતું. વગદારોના ફોન પણ કરાવાઇ રહ્યાં છે. પરંતુ સ્થાનિક સંગઠન દ્વારા આ વખતે બાજી પોતાના હાથમાં રાખી હોય તેમ કોંગ્રેસમાંથી એક નામ આખરી કરી દેવાયું છે. ભાજપમાંથી પણ એક જ ઉમેદવારે પ્રદેશ નેતાગીરી સમક્ષ દાવેદારી નોંધાવી હોવાની કાર્યકરોમાં ચર્ચા છે અને તેમાં પ્રણવ પટેલનું નામ બોલાઇ રહ્યું છે, પરંતુ તે સ્થાનિક નહીં હોવાની વાતે જોર પકડ્‌યું છે.

વોર્ડ-૩નો વિસ્તાર લોકસભા અને તેના પહેલા વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ તરફી જોકમાં રહ્યો હતો અને લોકસભા વખતે તો ભાજપને ૬ હજાર મતની લીડ મળી હતી. આ સંજોગોમાં ભાજપના નેતાઓને પેટાચૂંટણીમાં જીત થવા મુદ્દે કોઇ શંકા નથી. ઉમેદવારનું નામ જોકે હજુ સુધી જાહેર કરવામાં આવ્યુ નથી અને નક્કી પણ નહીં થયું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ત્યારે પ્રદેશ નેતાગીરી કોના પર પસંદગીનો કળશ ઢોળે તે જોવાનું રહે છે.

ભૂતકાળમાં ન્યૂ ગાંધીનગરની મતદારયાદીમાં નામ ધરાવતા પ્રણવ પટેલ હવે વોર્ડ નંબર ૩ના મતદાર બની ગયા હોવાથી કાર્યકર્તાઓ તેનું નામ બોલી રહ્યાં છે. પરંતુ સ્થાનિક ઉમેદવાર નહીં હોવાની વાતે મતદાર નારાજ થશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. મહાપાલિકાના વોર્ડ નંબર ૩માં એક બેઠકની પેટા ચૂંટણી સંબંધે કોંગ્રેસ દ્વારા મીતુલ જોષીનું નામ ઉમેદવાર તરીકે નક્કી કરાયું છે.

Previous articleસરકારી વિભાગોમાં થયેલા કૌભાંડોનાં વિરોધમાં કોંગ્રેસના ગાંધીનગરમાં ધામા
Next articleજમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની અવધિ વધારવાનું બિલ રાજ્યસભામાં રજૂ