જેકે પેપરના ગુજરાત સાથે ૧૫૦૦ કરોડના એમઓયુ

626

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આજે દેશની પેપર ઉત્પાદન ક્ષેત્રની અગ્રણી કંપની જે કે પેપર લિમિટેડ એ ગુજરાત સરકાર સાથે ૧૫૦૦ કરોડના એમઓયુ કર્યા છે. આ એમઓયુ અંતર્ગત કંપની ૧૫૦૦ કરોડના મૂડીરોકાણ સાથે તાપી જિલ્લાના આદિજાતિ વિસ્તાર સોનગઢમાં આવેલા પોતાના પ્લાન્ટનું મોડર્નાઇઝેશન અને  વિસ્તરણ કરશે. આ પ્લાન્ટ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં ઉત્પાદન કરતો થઇ જવાનો છે. આના પરિણામે મોટા પ્રમાણમાં સ્થાનિક યુવાનો માટે મળનારા રોજગાર અવસર તેમજ કંપનીના પ્લાન્ટની પર્યાવરણ-સાનુકૂળ ડિઝાઈન અંગે મુખ્યમંત્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો.

આ સમજૂતી કરાર વેળાએ ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ એમ કે દાસ તેમજ ઉદ્યોગ કમિશનર શ્રીમતી મમતા વર્મા અને ઈન્ડેક્ષ્ટ-બી ના મેનેજિંગ ડિરેક્ટર આરકે બેનીવાલ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વનબંધુ તાપી જિલ્લાના સોનગઢના આદિજાતિ વિસ્તારમાં આવેલું કંપનીનું યુનિટ હાલ ૨૨૦૦ સ્થાનિક યુવાઓને કાયમી રોજગારી પ્રદાન કરી રહ્યું છે. હવે પ્લાન્ટના  વિસ્તરણના લીધે બીજા ૧૦૦૦ સ્થાનિક યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે.

આ ઉપરાંત  આદિજાતિ ખેડૂતો કંપનીને પેપર મેન્યુફેક્ચરિંગ માટે  કાચો સામાન પણ સપ્લાય કરી શકશે.  અંદાજે ૧૦ હજાર વનવાસી કિસાનોને આના કારણે આર્થિક ફાયદો પણ થવાનો છે. આ પ્લાન્ટની ડિઝાઈન પર્યાવરણને અનૂકુળ તેમજ પ્લાન્ટની કાર્બન ફુટપ્રિન્ટ ન્યુનતમ હોય તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલું જ નહિ, પ્લાન્ટમાંથી નીકળતું ગંદુ પાણી ટ્રીટ કરીને તેને ફરી ખેતીના ઉપયોગમાં લેવામાં આવશે.

Previous articleમુંબઈ જળબંબાબાકાર : ૨૧ ઇંચ વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત
Next articleરથયાત્રા રૂટની સુરક્ષા વ્યવસ્થાનું પ્રિ-રિહર્સલ