ગઢડામાં જગન્નાથજીની ર૬મી રથયાત્રા માટે અનેરો થનગનાટ

623

ગઢડા(સ્વામીના) મુકામે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજીત અષાઢી બીજના દિવસે પંરપરાગત યોજાનારી આગામી ૨૬ મી રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાય રહ્યો છે. ગુજરાત ખાતે ત્રીજા ક્રમની અને ભવ્ય રંગદર્શી રથયાત્રા ને સફળ બનાવવા માટે રથયાત્રા સમિતિના કાર્યકરો તથા શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ મંડળો દ્વારા અનેકવિધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જે માટે સમગ્ર શહેરને ધજા પતાકા અને વિશાળ ગેઇટ થી શણગારી કેસરીયો માહોલ ઉભો કરાયો છે. તા.૪ જુલાઇના રોજ બપોરે ૧-૩૦ કલાકે પરંપરાગત રૂટ ઉપર શ્રી ગોપીનાથજી દેવ મંદિરના સંતો અને રાજકીય સામાજીક અગ્રણીઓના વરદ્‌ હસ્તે આ રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે. તેમજ આ રથયાત્રા દરમિયાન ખાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા તથા સૌરભભાઇ પટેલ, ધારાસભ્ય પ્રવિણભાઇ મારૂ સહિતના ઉપસ્થિત રહેશે. મઘરપાટ અંબાજી ચોકથી પ્રારંભ થઇ કુંભારશેરી, વાઢાળા ચોક, શ્રી ગોપીનાથજી દેવ મંદિર, ટાવર ચોક, બોટાદ ઝાંપા, નગર પાલિકા, પોલિસ લાઇન ચાર રસ્તા, એસ.ટી. રોડ થઇને મોહનભાઇ ના બાવલાથી જીનનાકા અને અંબાજી ચોક ખાતે સાંજે ૮-૩૦ કલાકે વિસર્જન પામશે. આ રથયાત્રા દરમિયાન ૩૦ જેટલા રંગદર્શી ફ્લોટસ અને રાસ મંડળીઓ, બેન્ડ વાજા, ડી.જે. સાઉન્ડ, અખાડા, ટેડી બિયર સહિત અનેક પ્રદર્શનો રથયાત્રાનું આકર્ષણ બની રહેશે. તેમજ ભાવિક ભક્તો માટે મગ, ચણા, મઠ ના કઠોળનો ૮૦ મણ જેટલો પ્રસાદ વિતરણ કરાશે. આ રથયાત્રા દરમિયાન ૧૮ ફૂટ ના રથમાં જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની મૂર્તિ સ્થાપિત કરી ભાવિક ભક્તો દ્વારા દોરડા વડે રથ ખેંચીને સમગ્ર રૂટ ઉપર રથયાત્રા યોજવામાં આવશે. આ દરમિયાન ૭૦ જેટલા વાહનો ઉપરાંત ઠેર ઠેર ચા, નાસ્તા, પાણી તથા સરબતના સ્ટોલ ભાવિકો દ્વારા ઉભા કરવામાં આવશે. આ રથયાત્રા દરમિયાન નગારા યંત્ર સાથે અલગ અલગ જગ્યાએ દરેક સમાજ દ્વારા સ્વાગત તથા આરતી યોજવામાં આવશે. આ રથયાત્રા નો લ્હાવો લેવા માટે હજ્જારોની મેદની ઉપસ્થિત રહેશે. સમગ્ર રથયાત્રાને સફળ બનાવવા માટે પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ રથયાત્રા દરમિયાન વિવિધ મંડળો દ્વારા રજૂ થનારા ફ્લોટસના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવશે. આ રથયાત્રાને સફળ બનાવવા માટે પ્રમુખ ચંદ્રકાન્ત લાઠીગરા, ઉપપ્રમુખ પિયુષ શાહ સહિત સમગ્ર ટીમ દ્વારા સંકલન કરવામાં આવશે.

Previous articleઅમરનાથ યાત્રાએ જતા ભાવિકોનું સન્માન કરાયું
Next articleલાઠીથી દામનગર તરફ રસ્તા પર ટ્રેકટર-બાઈક વચ્ચે અકસ્માત