ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈન્કમટેક્સ સર્કલ પર બાંધવામાં આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યાં બ્રિજના બંને છેડે પક્ષના કાર્યકરો અને ભાજપના નેતાઓ દ્વારા તેમનું અભિવાદન કરાયુ હતું. ત્યારબાદ તેમણે ઈન્કમટેક્સ કચેરી પાછળ આવેલા દિનેશ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા ખાતે બાંધવામાં આવેલા સ્વ. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ અને મ્યુનિસિપલ લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે પોતાની જૂની યાદો વાગોળતાં જણાવ્યું હતું કે, મારા લગ્ન આ ડી. કે. પટેલ હોલમાં જ થયા હતા, ધારાસભ્ય હતો ત્યારે ભૂમિપૂજન અને આજે મારી ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયુ તે મારા માટે આનંદ અને ખુશીની વાત છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન બાદ સૌપ્રથમવાર અહીં તા.૩ અને ૪ જુલાઈ એમ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. જેને પગલે આજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ અને સૌરભ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે સાથે કાર્યકરો અને ભાજપના આગેવાનોએ પણ તેમને આવકાર્યા હતા. ત્યારબાદ અમિત શાહ શહેરના ઈન્કમટેક્સ સર્કલ પર બાંધવામાં આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા. રસ્તામાં શાહનું ભાજપના કાર્યકરો અને સ્થાનિક જનતા દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્કટેક્સ બ્રીજનું લોકાર્પણ કર્યું ત્યારબાદ સ્થાનિક લોકો અને શહેરીજનોમાં ખુશીની લાગણી પ્રસરી હતી કારણ કે, આ બ્રીજના લોકાર્પણના લીધે ઇન્કમટેક્સ ખાતે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.