ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ-૨૦૧૯ની સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમિ ફાઇનલ મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયા શનિવારે પોતાની અંતિમ લીગ મેચ શ્રીલંકા સામે રમશે. આ મુકાબલામાં હાર-જીતથી વધારે ફરક પડશે નહીં. આવા સમયે ટીમ ઇન્ડિયા કેટલાક ખેલાડીઓને આરામ આપી શકે છે.
બોલિંગ મોર્ચે હાલ જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર છે. તે મેચ દર મેચ સતત વિકેટો ઝડપી રહ્યો છે. જોકે બની શકે કે કેપ્ટન વિરાટ કોહલી તેને શ્રીલંકા સામે આરામ આપે. બુમરાહ સતત ક્રિકેટ રમી રહ્યો છે. આવા સમયે કોહલી સેમિ ફાઇનલ જેવા મહત્વપૂર્ણ મુકાબલા પહેલા બુમરાહને આરામ આપવા માંગશે.
બાંગ્લાદેશ સામેની મેચ પછી જ્યારે બુમરાહને પુછવામાં આવ્યું હતું કે આગામી મેચમાં આરામ કરવા માંગશો? તો બુમરાહે સ્પષ્ટ કર્યું હતું કે આ મારો પ્રથમ વર્લ્ડ કપ છે, આવા સમયે વધારેમાં વધારે મેચ રમવા માંગીશ. તમે જેટલી વધારે મેચો રમો છો તેટલો વધારે એન્જોય કરશો.
વર્લ્ડ કપમાં હાલ જસપ્રીત બુમરાહનો દબદબો છે. ટીમ ઇન્ડિયાને જ્યારે વિકેટની જરુર હોય છે ત્યારે બુમરાહ અચૂક વિકેટ અપાવે છે. વર્લ્ડ કપમાં તે ૭ મેચમાં ૧૪ વિકેટ ઝડપી ચૂક્યો છે. બુમરાહની ગેરહાજરીમાં નવા બોલની આગેવાની ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી સંભાળી શકે છે.