ગાંધીનગર પાટનગરનાં ૩૦ સેક્ટર સહિત મહાપાલિકા વિસ્તારમાં ગંદકી અને દબાણનાં મુદ્દે સમયસરની અને અસરદાર કામગીરી કરવા માટે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં મોબાઇલ કોર્ટ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યા પછી તેનો અમલ થયો નથી. પરિણામે અરજદારે દંડ ભરવા માટે મહાપાલિકા કચેરી સુધી લાંબા થવું નહીં પડે કે, ધક્કા ખાવાના રહેશે નહીં, તેવો હેતુ બર આવ્યો નથી. અમદાવાદ મહાપાલિકા દ્વારા આ પ્રકારે મોબાઇલ કોર્ટનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે.
ઉપરાંત બેંગલોર અને હૈદ્રાબાદમાં મહાપાલિકા દ્વારા મોબાઇલ કોર્ટ ચલાવાય છે. આ યોજના શરૂ થિ નથી કેમ કે મહાપાલિકાએ તેના માટે જજ આપવા સરકારમાં કરેલી માગણી અનિર્ણિત છે.
મોબાઇલ કોર્ટ કાર્યરત કરવા પાછળ નગરમાં સ્વચ્છતા જળવાઇ રહે અને દબાણો ઉભા ન થાય તેવો મહાપાલિકાનો હેતુ છે. પાટનગરના ૩૦ સેક્ટરમાં દરેકમાં માઇક્રો શોપિંગ સેન્ટર છે ઉપરાંત સેક્ટર ૭, ૧૧, ૧૬, ૨૧ અને ૨૪માં વ્યાપારી વિસ્તારો આવેલા છે. દબાણ અને ગંદકીના પ્રશ્નો વ્યાપક પ્રમાણમાં ઉભા થતાં હોવાથી મોબાઇલ કોર્ટના પગલે તેના નિરાકરણ લાવવાનો હેતુ હતો. પરંતુ ગાંધીનગર મહાપાલિકાના અધિકારી-કર્મચારીઓ કે પદ્દાધિકારીઓને આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા સંબંધિ કોઇ અનુભવ સ્વાભાવિક રીતે જ નહીં હોવાથી મોબાઇલ કોર્ટ માટે નિયમો નક્કી કરવાની બાબતને અગ્રતા આપવામાં આવશે. તેના માટે અમદાવાદ, બેંગલોર અને હૈદ્રાબાદ જઇને આ વ્યવસ્થાનો અભ્યાસ કરવા પણ નિર્ણય લેવાયો હતો. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે મહાપાલિકા પાસે દંડની વસૂલાતત કરવા માટે જજ નથી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બારૈયાએ જણાવ્યું કે, એક મોબાઇલ કોર્ટના પ્રયોગને સફળતા મળી જાય તો બાદમાં આ વાન દ્વારા જ સિવિક સેન્ટરમાં ઉપલબ્ધ પૈકીની કેટલીક સેવાઓ પણ ચાલુ કરી દેવાશે.